ગુજરાતમાં વેપાર અને રોજગારને પ્રોત્સાહન અને વેગ આપવા માટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર હેતુથી ચાલતા એકમો માટેના પ્રોપર્ટી ટેક્સમાં આગામી 31મી ઓગસ્ટ સુધી 20 ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શહેરીજનોને આ રાહતનો લાભ પ્રાપ્ત કરીને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા શહેરીજનોને અપીલ કરાઇ છે.
વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી ચાલુ થઈને આગળ વધે તે માટે ગુજરાત સરકારે વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.31 ઓગસ્ટ 2020 સુધી 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોવિડ-19ના સંકટને કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનને કારણે વિપરીત અસર થઇ છે. શહેરી વિસ્તારોના નાગરિકોને આર્થિક સહાય પ્રાપ્ત થાય તેમજ વેપારને વેગ મળે તે માટે આ વિસ્તારમાં સ્થિત વાણિજ્યિક એકમોના ધારકોએ ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સમાંથી 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે 20 ટકા રીબેટ જાહેર કર્યું છે તે અંતર્ગત 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે.
(સંકેત)