- અમદાવાદથી કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે
- સી પ્લેન માટેનું એરક્રાફ્ટ આગામી 25 ઑક્ટોબર સુધીમાં કેનેડા આવી પહોંચશે
- સી પ્લેન દ્વારા અમદાવાદ-કેવડિયા વચ્ચેનું અંતર 50 મિનિટમાં જ કાપી શકાશે
અમદાવાદ: અમદાવાદથી કેવડિયામાં આવેલા ઐતિહાસિક સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી શરૂ થનારા દેશના સૌ પ્રથમ સી પ્લેનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. સી પ્લેન માટે અમદાવાદમાં તમામ કામગીરી મોટા ભાગે પૂર્ણ થઇ ચૂકી છે જ્યારે કેવડિયામાં 20 ઑક્ટોબર સુધીમાં તૈયારીઓ પૂર્ણ થઇ જાય તેવી સંભાવના છે. સી પ્લેન માટેનું એરક્રાફ્ટ આગામી 25 ઑક્ટોબર સુધીમાં કેનેડાથી અમદાવાદ આવી પહોંચશે.
અમદાવાદ અને કેવડિયા વચ્ચેના અંતરની વાત કરીએ તો બંને વચ્ચેનું 198 કિલોમીટરનું અંતર બાય રોડ કાપવામાં સામાન્યપણે 3.35 કલાકનો સમય થતો હોય છે. પરંતુ સી પ્લેન દ્વારા 50 મિનિટમાં જ આ અંતર કાપી શકાશે. સી પ્લેન માટેનું એરક્રાફ્ટ કેનેડામાં તૈયાર થયું છે અને તે આગામી 25 ઑક્ટોબર સુધીમાં અમદાવાદ આવી પહોંચી તેવી સંભાવના છે.
એરક્રાફ્ટ અગાઉ સી પ્લેન માટેના વિદેશથી બે વિશિષ્ટ પાયલટ અમદાવાદ આવી પહોંચશે અને પ્રવર્તમાન સંજોગોને પગલે સૌપ્રથમ ક્વોરેન્ટાઇન પીરિયડ પૂર્ણ કરશે.
આ મહત્વકાંક્ષી સી પ્લેન પ્રોજેક્ટ અંગે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેલ)ના સીઇઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું કે, ‘પ્રારંભિક તબક્કામાં સી પ્લેનનું એક જ એરક્રાફ્ટ કેનેડાથી લાવવામાં આવશે. કેનેડાની કંપનીનું આ સી પ્લેન ક્વિન વોટર તરીકે ઓળખાય છે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત આ સી પ્લેનમાં બે વિદેશી પાયલટ હશે. આ સી પ્લેન અત્યંત આધુનિક કક્ષાનું છે અને તે પાણી-જમીન ક્યાંય પણ લેન્ડિંગ કરી શકે છે.
સી પ્લેન માટે અમદાવાદમાં લગભગ તમામ કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં ટર્મિનલ બિલ્ડિંગ, વોચ ટાવર સહિતને આખરી ઓપ અપાઇ રહ્યો છે. કેવડિયામાં ૨૦ ઓક્ટોબર સુધીમાં સી પ્લેન માટેની કામગીરી પૂર્ણ થઇ જશે તેવો અમારો અંદાજ છે. સી પ્લેનથી અમદાવાદ-કેવડિયા વચ્ચેનું અંતર ૫૦ મિનિટમાં કાપી શકાશે.
સી પ્લેન માટે વન-વે ટિકિટ ૪૮૦૦ રૃપિયા
સી પ્લેન માટે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે એકતરફનું ભાડું રૃપિયા ૪૮૦૦ રહેશે. જેના કારણે સી પ્લેનને પ્રારંભથી જ સારો પ્રતિસાદ મળશે કે કેમ તેને લઇને પ્રશ્નાર્થ સર્જાયો છે.
(સંકેત)