ગુજરાત ફરી વિશ્વ ફલક પર ચમક્યું, વિશ્વના જોવાલાયક સ્મારકોમાં સરદાર પટેલ સ્ટેડિયમને મળ્યું સ્થાન
- વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું
- વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2020ની યાદીમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનો સમાવેશ
- સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત 24 સ્થળો યાદીમાં સામેલ
અમદાવાદ: ગુજરાતે વિશ્વ ફલક પર વધુ એક વખત ડંકો વગાડ્યો છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમને હાલમાં જ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2020ની યાદીમાં મૂકવામાં આવ્યું છે. સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત 24 સ્થળોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
તે ઉપરાંત ગેટ્ટી ફાઉન્ડેશને વોચ લિસ્ટમાં સામેલ અને 20મી સદીમાં બંધાયેલી જે 13 ઇમારતોને 2.2 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપી છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમને પણ કીપિંગ ઇટ મોર્ડન ગ્રાન્ટ્સ તરીકે ઓળખાતી ગ્રાન્ટનો લાભ પ્રાપ્ત થશે.
વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ,ગેટ્ટી ફાઉન્ડેશનની સહાયથી SVP સ્ટેડિયમ માટે એક વ્યાપક સંરક્ષણ વ્યવસ્થાના વિકાસ માટે કામ કરશે.
‘વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ 20મી સદીના આધુનિક માળખાના રૂપમાં SVP સ્ટેડિયમની જાળવણી માટેના જટિલ પડકારો તરફ ધ્યાન આકર્ષિત કરવા માગે છે, પરંતુ અમદાવાદના લોકો માટે આ એક સાંકેતિક જાહેર જગ્યા છે’.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અમદાવાદ મહાનગરપાલિકા માટે 1966માં બનાવવામાં આવ્યું હતું. સ્ટેડિયમની ડિઝાઈન અને જીવંત બનાવવાનું કામ બે પાયનિઅર-માસ્ટર આર્કિટેક્ટ સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર મહેન્દ્ર રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ આજે પાંચ દશકા કરતા વધુ સમયથી અમદાવાદની સંસ્કૃતિ સાથે વણાઈ ગયું છે.
(સંકેત)