- રૂપાણી સરકારની રાજ્ય સરકારના 5 લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળી ભેટ
- રાજ્ય સરકારમાં સેવારત અધિકારીઓ-કર્મચારીને ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 10 હજાર રૂપિયા મળશે
- ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ રકમ રૂપે કાર્ડના સ્વરૂપમાં અપાશે
ગાંધીનગર: રૂપાણી સરકારે રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને દિવાળી-નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે, ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન મળે તે હેતુસર આ એડવાન્સ રકમ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજવસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. જેના પરિણામે નાના વેપારીઓને વ્યવસાય રોજગારને વેગ મળશે. એટલું જ નહીં, પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.
આપને જણાવી દઇએ કે છઠ્ઠી નવેમ્બરના રોજ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયાની મર્યાદામાં બોનસ આપવાની જાહેરાત કરી હતી.
આ મામલે નિતીન પટેલ જણાવ્યું હતું કે, ‘આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.
મહત્વનું છે કે, ગત મહિને નાણાં મંત્રીએ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે માંગ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેનાથી સરકારી કર્મચારીઓને એડવાન્સમાં રૂપિયા 10 હજાર મળી શકશે.
(સંકેત)