ગુજરાત હાઇકોર્ટમાં 4 દિવસનું લોકડાઉન, કામગીરી રહેશે બંધ, સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે
- ગુજરાતમાં કોરોના સંક્રમણને વધતા વ્યાપ વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય
- સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લોકડાઉન લાગુ કરાયું
- હાઇકોર્ટની કામગીરી 16 થી 19 ઑક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. બુધવારના આંકડા પ્રમાણે રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પહોંચી વળવા અને સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ગુજરાત હાઇકોર્ટની કામગીરી 4 દિવસ એટલે કે 16 થી 19 ઑક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઇ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે.
તે ઉપરાંત એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસોમાં પણ સેનેટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે.
19, 20 અને 21 ઓક્ટોબરથી ફિક્સ મેટર 21 ઓક્ટોમ્બરે લેવાશે. ફિઝિકલ ફાઇલીગ 20 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે આ દરમિયાન ઇ- ફાઇલીગ શરૂ રહેશે. તેમજ નવા કેસો 20 ઓક્ટોબરથી લેવાશે.
(સંકેત)