- વતન પીરામણ ખાતે માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલને સુપર્દ-એ-ખાક કરાયા
- રાહુલ ગાંધી, અમિત ચાવડા સહિતના નેતાઓ દફનવિધિમાં રહ્યા હાજર
- અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીની હૃદયે પિતાને વિદાય આપી
પીરામણ: વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલને સુપર્દ-એ-ખાક કરાયા હતા. અહેમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઇ છે. તેમનો પાર્થિવ દેહ આવતા જ પીરામણ ગામમાં ગમગીન માહોલ છવાયો હતો. તેમની અંતિમ વિદાયમાં નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પહેલા અહેમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનિટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. PPE કિટ પહેરીને તેમનો પાર્થિક દેહ ઘરે લાવવામાં આવ્યો હતો. જેના બાદ તરત તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેઓને કબ્રસ્તાન લઇ જવાયા હતા. જ્યાં સૌથી પહેલા નમાઝ પઢવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી હતી, તો સોનિયા ગાંધીએ તેમના માટે પુષ્પ મોકલ્યા હતા. રાહુલ ગાંધી પણ પગપાળા કબ્રસ્તાન સુધી જઇને દિગ્ગજ નેતાની અંતિમ સફરમાં જોડાયા હતા.
Shri @RahulGandhi stands with the family of Shri Ahmed Patel ji at his last rites in Gujarat. pic.twitter.com/JJ6zzk7aPo
— Congress (@INCIndia) November 26, 2020
રાહુલ ગાંધી ઉપરાંત, રાજીવ સાતવ, હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ પગપાળા તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝે ગમગીની હૃદયે પિતાને વિદાય આપી હતી. તો સાથે જ અશ્રુભીની આંખે કોંગ્રેસના નેતાઓએ તેમને વિદાય આપી હતી.
અંતિમ વિદાય બાદ તમામ દિગ્ગજ નેતાઓ કબ્રસ્તાનમાંથી બહાર નીકળ્યા હતા. રાહુલ ગાંધી અહમદ પટેલના પરિવારજનોને સાંત્વના આપીને પરત જવા રવાના થયા હતા. દફનવિધિ બાદ પણ કબ્રસ્તાનની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભરૂચના વેપારીઓએ આજે અહમદ પટેલી યાદમાં એક દિવસનો બંધ પાળ્યો છે.
15 થી 20 હજાર લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમને કાબૂમાં રાખવા ત્રણ જિલ્લાની પોલીસ અહી બંદોબસ્ત મૂકાઈ હતી. પોતાના મસીહાની અંતિમ વિદાયમાં લોકોએ નમાઝ અદા કરી હતી. જોકે, ગણતરીના લોકો સિવાય કોઈને કબ્રસ્તાનમાં જવા દેવાયા ન હતા. કોરોના ગાઈડલાઈન મુજબ જૂજ લોકોને કબ્રસ્તાનમાં જવા દેવાયા હતા.
(સંકેત)