Site icon Revoi.in

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Social Share

અમદાવાદ: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી વિભાગના પ્રો. સંજીવ કુમાર દુબેએ ‘નવી શિક્ષણ નીતિ અને હિન્દી’ વિષય પર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “નવી શિક્ષણ નીતિમાં ધોરણ-૧૨ સુધી ભારતીય ભાષાઓમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં હિન્દી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.”

કુલસચિવ પ્રો. આલોક ગુપ્તએ આઝાદી પછી હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારની સકારાત્મક અસરની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે. આ ઉપરાંત અમેરિકામાં ૧૦૦થી વધુ સંસ્થાઓમાં હિન્દી ભણાવવામાં આવે છે, આ ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોના વિશ્વવિદ્યાલયોમાં પણ હિન્દી ભાષામાં ઉત્તમ સંશોધનો થાય છે.”

કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી રમાશંકર દુબેએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાના આંદોલનની વિગતે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવામાં બિનહિન્દી ભાષીઓની મહત્વની ભૂમિકા રહી છે જેમાં ગુજરાતનો ફાળો ઘણો મોટો છે. સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી જેવા ગુજરાતીઓએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા આહવાહન આપ્યું હતું. આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ જેવા કે જેમની માતૃભાષા બંગાળી હતી એમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની વાત કરી હતી. તેમણે પ્રતીકાત્મક રીતે જણાવ્યું હતું કે ભારતીય ભાષાઓ બહેનો જેવી છે જેમાં હિન્દી ભાષા મોટી બહેન છે. તેમણે પોતાના જાપાન વિષેના સંસ્મરણોની વાત કરતાં જણાવ્યું હતું કે તુલસીદાસકૃત ‘રામચરિત માનસ’નો જાપાનીમાં અનુવાદ ત્યાંના પુસ્તકાલયમાં જોયો હતો. કહેવાનું તાત્પર્ય એ કે જ્ઞાન-વિજ્ઞાનના બધા ક્ષેત્રોના મહત્વના પુસ્તકોના અનુવાદ જાપાની ભાષામાં થયેલા છે. આપણે પણ હિન્દી ભાષાનું શિક્ષણમાં મહત્વ વધારવું હશે તો વિશ્વનું ઉત્તમ જ્ઞાન હિન્દીમાં લાવવું પડશે.”

કાર્યક્રમના અંતે સીયુજીની રાજભાષા સમિતિના સંયોજક ડો. હેમાંગ દેસાઈએ આભારવિધિ કરતાં હિન્દી અને અંગ્રેજી ભાષાના સંબંધની વાત કરી હતી. કાર્યક્રમનું સુચારું સંચાલન હિન્દી વિભાગના ડો. પ્રમોદ કુમાર તિવારીએ કર્યું હતું. આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો માટે જુદી જુદી પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સમાપન તા. ૧૭ સપ્ટેમ્બર, 2020ના રોજ થશે.

(સંકેત મહેતા)