રક્તરંજિત અફઘાનિસ્તાનના હિંસાચારમાં ભૂતપૂર્વ સોવિયત રશિયા, અમેરિકા અને પાકિસ્તાનની દખલગીરીની ભૂમિકા
– આનંદ શુક્લ
- અફઘાનિસ્તાનમાં હિંસાચાર માટે અમેરિકા-પાકિસ્તાન જવાબદાર
- તાલિબાન-અલકાયદાને આઈએસઆઈ-પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ
- સોવિયત સંઘ સામે લડવા મજહબી આતંકને અપાયું પ્રોત્સાહન
અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘનો પ્રભાવ ખાળવા માટે જગત જમાદાર અમેરિકાએ દૂધ પીવડાવીને મુજાહિદ્દીન નામના ઝેરી નાગ ઉછેર્યા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓને વાપસી માટે મજબૂર કરનારા મુજાહિદ્દીનોને પાન-ઈસ્લામિક આતંકવાદી જૂથોમાં ફેરવવાનું પાપ અમેરિકા અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ફાળે જાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને અમેરિકાના પ્રવાસ દરમિયાન યુએનજીએના પોતાના સંબોધનના થોડા દિવસ પહેલાના એક કાર્યક્રમમાં તાલિબાન-અલકાયદાના આતંકવાદીઓને આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાએ તાલીમ આપી હોવાનું કબૂલીને આંશિકપણે આ વાતને સ્વીકારી લીધી છે. આજે અમેરિકાને હાથના કર્યા હૈયે વાગ્યા છે અને અફઘાનિસ્તાનમાં તેના ઉભા કરેલા ઈન્સાનિયતના દુશ્મનોને ખતમ કરવા તેમને 18 વર્ષથી વધારે સમય આતંક વિરુદ્ધ યુદ્ધના નામે લોહીયાળ જંગ ખેલવો પડયો છે.
એરિયાનાથી ખુરાસાનથી અફઘાનિસ્તાન-
રક્તરંજિત ઈતિહાસ ધરાવતા મધ્ય એશિયાના મહત્વના દેશ અફઘાનિસ્તાનમાં અમેરિકી દોરીસંચાર 50ના દાયકાથી વધવાનો શરૂ થયો હતો. અફઘાનિસ્તાનનું પ્રારંભિક નામ એરિયાના હતું. બાદમાં તેને ખુરાસાન તરીકે ઓળખવામાં આવતું હતું. 1919માં અફઘાનિસ્તાને બ્રિટનની સેનાઓ સામે લડીને આઝાદી મેળવી હતી. 1926માં અમાનુલ્લાખાન અફઘાનિસ્તાનનો રાજા બન્યો. અમાનુલ્લાએ નવી સંસ્કૃતિ અને નવા વિચારોનું બીજારોપણ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ કટ્ટરપંથીઓના વિરોધ વચ્ચે તેના સામાજિક સુધારણાઓના કામનો વિરોધ શરૂ થયો હતો. વિરોધ તીવ્ર થતા 1929માં અમાનુલ્લા અફઘાનિસ્તાનથી ભાગી ગયો હતો.
કમ્યુનિસ્ટ પ્રભાવમાં અફઘાનિસ્તાન-
1933થી ચાર દશક સુધી ઝહીર શાહે અફઘાનિસ્તાનના બાદશાહ તરીકે શાસન ચલાવ્યું. 1953માં જનરલ મોહમ્મદ દાઉદ અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ સોવિયત સંઘ તરફી વલણ ધરાવતા હતા. તેમણે સોવિયત સંઘ સાથે આર્થિક અને લશ્કરી મદદ મેળવી હતી. તેમણે પણ સમાજ સુધારણા પર વધારે ભાર મૂક્યો હતો. અફઘાન મહિલાઓને તેમણે પુરુષો જેવા હક આપ્યા અને પડદા પ્રથા દૂર કરાવી હતી. 1963માં મોહમ્મદ દાઉદને પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડયું હતું. અફઘાનિસ્તાનમાં બંધારણીય રીતે રાજાશાહી લાગુ થઈ. પરંતુ તેની સાથે જ સત્તા સંઘર્ષો શરૂ થયા. જેના કારણે 1973માં મોહમ્મદ દાઉદે ફરીથી સત્તા કબજે કરીને અફઘાનિસ્તાનને એક પ્રજાસત્તાક દેશ ઘોષિત કર્યો. તેમણે સોવિયત સંઘ પાસેથી ભરપૂર મદદ લઈને અફઘાનિસ્તાનને પશ્ચિમી શક્તિઓ વિરુદ્ધ ઉભું કર્યું હતું. તેમના શાસન કરવાની શૈલીથી અફઘાનિસ્તાનના ડાબેરી જૂથો નારાજ થયા અને તેમના વિરોધીઓ સાથે મળી ગયા. 1978માં ડાબેરી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ જનરલ દાઉદને પદભ્રષ્ટ કર્યા અને એપ્રિલ-1978માં એક સૈન્ય ક્રાંતિમાં જનરલ દાઉદની હત્યા પણ કરી હતી.
સોવિયત સંઘનો લશ્કરી હસ્તક્ષેપ-
જનરલ દાઉદની હત્યા બાદ સામ્યવાદી નેતા નૂર મોહમ્મદ તરાકી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. તરાકીના કાર્યકાળમાં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘનો પ્રભાવ ખૂબ જ વધી ગયો હતો. એપ્રિલ-1978 સુધી અફઘાનિસ્તાનમાં 350 રશિયન સલાહકારો હતા અને ડિસેમ્બર-1978 સુધીમાં તેમની સંખ્યા એક હજારના આંકડાને પાર કરી ગઈ હતી. ડિસેમ્બર-1978માં અફઘાનિસ્તાન અને રશિયા વચ્ચે મહત્વપૂર્ણ સંધિ થઈ હતી. જેના પ્રમાણે અફઘાનિસ્તાન પરના હુમલા વખતે સોવિયત સંઘ લશ્કરી મદદ કરે તેવી જોગવાઈ હતી. આ સંધિ બાદ અહીં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ દેશ રશિયાના સકંજામાં ફસાયો હોવાનો પ્રચાર કર્યો હતો. 1979માં અફઘાનિસ્તાનની સ્થિતિ ભયાનક બની. સોવિયત સંઘે પોતાની તરફદાર અફઘાન સરકારને બચાવવા માટે ચારસો સૈનિકોની એક વિશેષ બટાલિયન મોકલી હતી. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. સપ્ટેમ્બર-1979માં રાષ્ટ્રપતિ નૂર મોહમ્મદ તરાકી અને ડાબેરી નેતા હફીજુલ્લા અમીન વચ્ચે ભીષણ ખૂની સંઘર્ષ થયો હતો. જેમાં કાબુલ પર હફીજુલ્લા અમીને જીત મેળવી અને તરાકીની હત્યા કરી હતી. અમીને ઈસ્લામિક કટ્ટરપંથી મુજાહિદ્દીનો પર અંકુશ લગાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેઓ નિષ્ફળ જતા 27 ડિસેમ્બર, 1979માં સોવિયત સંઘે અફઘાનિસ્તાનમાં સૈન્ય હસ્તક્ષેપ કર્યો હતો. 28 ડિસેમ્બરે, 1979ના રોજ અમીનની હત્યા કરી દેવાઈ અને સોવિયત સંઘે અફઘાન સરકાર તરફથી સંઘિ પ્રમાણે લશ્કરી મદદની માગણીને થઈ હોવાનો દાવો કરીને ભારે સૈન્ય જમાવડો કર્યો હતો. જેના કારણે સોવિયત સંઘની લાલસેના અને મુજાહિદ્દીનો વચ્ચે લોહિયાળ લડાઈઓ શરૂ થઈ ચુકી હતી.
અમેરિકા-પાકિસ્તાનનો મજહબી આતંકને પ્રોત્સાહનનો ખેલ-
અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનો લશ્કરી હસ્તક્ષેપ અમેરિકાને ગોઠયો નહીં. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે લડી રહેલા મુજાહિદ્દીનોને પાકિસ્તાનના માધ્યમથી જંગી હથિયારો અને નાણાંની મદદ આપવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના અબેટાબાદમાં ગુપ્ત અમેરિકી ઓપરેશનમાં ઠાર થયેલા અલકાયદાના આતંકી ઓસામા બિન લાદેનને પણ અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓ સામે લડવા માટે ઉતારવામાં આવ્યો હતો. લાદેનને અફઘાનિસ્તાન મોકલવામાં અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનો પણ કથિતપણે સીધો દોરીસંચાર હતો. લાદેનને અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા તાલીમ અપાઈ હોવાનું કહેવામાં આવે છે. લાદેને અફઘાનિસ્તાનમાં મક્તબ-અલ-ખિદમતની સ્થાપના કરીને દુનિયાભરના જેહાદીઓની ભરતી કરી હતી. અમેરિકાએ જ લાદેનને શસ્ત્રો પુરા પાડયા હતા.
અફઘાનિસ્તાન સતત પાકિસ્તાની વિસ્તારમાં રહેતા પચાસ લાખ પખ્તૂનોને સ્વાયતત્તા અપાવવાની વાત કરી રહ્યું છે. પાકિસ્તાન મારફતે મુજાહિદ્દીનોને અમેરિકી મદદ પહોંચાડાતી હોવાથી નારાજ થયેલી અફઘાનિસ્તાન સરકારના પાકિસ્તાન સાથેના સંબંધો બેહદ ખરાબ થયા હતા. આઈએસઆઈ અને સીઆઈએ દ્વારા પ્રશિક્ષિત જેહાદીઓને અમેરિકાએ ખતરનાક સ્ટ્રિંગર મિસાઈલ ઉપલબ્ધ કરાવી હતી.
સોવિયત સેનાની વાપસી અને ઈસ્લામિક આતંકવાદીઓના ચુંગાલમાં અફઘાનિસ્તાન-
1986માં બબરક કરમાલના સ્થાને સોવિયત સંઘ સમર્થક નજીબુલ્લાહને અફઘાનિસ્તાનનો શાસક બનાવાયો હતો. સોવિયત સંઘ પર અફઘાનિસ્તાનમાંથી સેના ખેંચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ તીવ્ર બન્યું હતું. અંતે લડાઈમાં ખુવાર થયેલા સોવિયત સંઘે 1988માં અફઘાનિસ્તાન સાથે મળીને પાકિસ્તાન અને અમેરિકા સાથે શાંતિ સમજૂતી કરી હતી. આખરે 1989માં સોવિયત સેનાઓની અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે વાપસી થઈ હતી. તેમ છતાં મુજાહિદ્દીનોએ સોવિયત રશિયા સમર્થક નજીબુલ્લાહને સત્તા પરથી હટાવવા માટે સંઘર્ષ ચાલુ રાખીને તેને 1992માં પદભ્રષ્ટ પણ કર્યો હતો. નજીબુલ્લાહની કરપીણ હત્યા કરીને તેના માથાને કાબુલના કિલ્લા પર લટકાવવામાં આવ્યું હતું. 1993માં મુજાહિદ્દીનો અમેરિકી ટેકાને કારણે ઘણાં શક્તિશાળી બની ચુક્યા હતા. તમામ મુજાહિદ્દીન જૂથોએ તાજિકો સાથે મળીને બુરહાનુદ્દીન રબ્બાનીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવી દીધા. 1994માં વંશીય ઘર્ષણ બાદ પખ્તૂનોના પ્રભાવવાળા તાલિબાનોએ રબ્બાની સરકાર વિરુદ્ધ મોરચાબંધી કરી હતી. 1996માં તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો અને ઈસ્લામના નામે કડક કાયદા લાગુ કરી દીધા હતા. 1997માં બે તૃતિયાંશ અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનોની સરકારને પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યુએઈએ માન્યતા આપી હતી. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તાલિબાનોની સૌથી મોટી મદદગાર હતી. વર્ષ-2000માં પાકિસ્તાની આતંકીઓને છોડાવવા માટે કાઠમંડૂથી હાઈજેક કરાયેલા ભારતીય વિમાન આઈસી-814ને તાલિબાની શાસન હેઠળના કંદહાર ખાતે ઉતારાયું હતું.
9/11 બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી-
સોવિયત સંઘના 1991-92માં તૂટયા બાદ અફઘાનિસ્તાન અને મધ્ય-પૂર્વ એશિયાના દેશોમાં પાવર વેક્યુમ સર્જાયું હતું. જેમાં સોવિયત સંઘની સામે રહેલા મુજાહિદ્દીન જૂથો અફઘાનિસ્તાનમાં સત્તા સ્થાને પહોંચ્યા અને તેમની ધાર્મિક કટ્ટરપંથી મહત્વકાંક્ષાના માર્ગમાં અમેરિકા આવતા તેઓ તેના પણ દુશ્મન બની ગયા. 2001માં નાઈન ઈલેવનના ભીષણ આતંકી હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે હુમલો કરવો પડયો. હાથના કર્યા હૈયે વાગ્યાના હિસાબથી અમેરિકાને અફઘાનિસ્તાનમાં પોતાના સૈનિકોનું લોહી વહેવડાવું પડયું છે. 18 વર્ષથી વધુ સમયથી ચાલતી લડાઈ બાદ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનોને જેર કરી શકાયા નથી. જો કે તેમ છતાં અમેરિકા અને નાટો સેના અફઘાનિસ્તાનમાંથી પોતાનું અભિયાન સમેટવા માટેની તૈયારી કરી રહ્યું છે. આના માટે તાલિબાનો સાથે નવ તબક્કાની વાતચીત પણ થઈ હતી. જો કે તાલિબાનો દ્વારા આતંકી હુમલા બાદ વાતચીત ખોરંભે પડી ગઈ છે. ત્યારે એક પ્રબળ શક્યતા એવી પણ છે કે અફઘાનિસ્તાનની નાગરિક સરકાર અને લોકશાહીને મજબૂત બનાવ્યા વગર અમેરિકાની સેનાની વાપસી થશે, તો દક્ષિણ એશિયામાં ફરીથી અસ્થિરતા સાથે આતંકવાદ માથું ઉચકશે. ત્યારે ભારતે વિશેષ સાવધાની દાખવવાની જરૂરિયાત ઉભી થઈ છે.