ઝારખંડના પાટનગર રાંચીની એક કોર્ટે ગ્રેજ્યુએશનની એક સ્ટૂડન્ટ રિચા ભારતીને કુરાન વહેંચવાની શરત પર જામીન આપ્યા છે. રિચા ભારતી પર આરોપ છે કે તેણે ફેસબુક પર કોમવાદી પોસ્ટ મૂકી હતી. આ સંદર્ભે અંજુમન કમિટીએ પોસ્ટને વાંધાજનક અને ધાર્મિક ભાવનાઓને આહત કરનારી ગણાવીને તેની વિરુદ્ધ એફઆઈઆર કરાવી હતી.
સશર્ત જામીન આપતા કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રિચાએ વિભિન્ન સંસ્થાઓને મુસ્લિમોના ધર્મગ્રંથ કુરાનની પાંચ નકલો વહેંચવી પડશે. ન્યાયિક મેજિસ્ટ્રેટ મનીષ સિંહે રિચાને નિર્દેશ આપ્યો હતો કે તે કુરાનની એક કોપી અંજુમન કમીટી અને અન્ય ચાર કોપી વિભિન્ન સ્કૂલો અને કોલેજોમાં વહેંચશે. તેની સાથે તેની રશીદ લેવી પડશે.
કોર્ટે તેના માટે રિચાને 15 દિવસનો સમય આપ્યો છે. જો કે કોર્ટે આ કામમાં (કુરાનની પાંચ કોપી વહેંચવા) સ્થાનિક પોલીસને રિચાની મદદ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
રિચા ભારતીએ કોર્ટના આદેશને માનવાનો ઈન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે આજે કુરાન વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાલે ઈસ્લામ સ્વીકારવાનો અથવા નમાજ પઢવાનો આદેશ આપશે. તો તે કેવી રીતે તેને સ્વીકારી શકે છે. રિચાએ પોતાનો તર્ક આગળ વધારતા કહ્યું છે કે શું કોઈ મુસ્લિમને સજા તરીકે દુર્ગા પાઠ કરવા અથવા હનુમાન ચાલીસા વાંચવાનો આદેશ કોર્ટે સંભળાવ્યો છે?
શું હતો મામલો?
રાંચીના પિઠોરિયાથી ગ્રેજ્યુએશન પાર્ટ થ્રીમાં અભ્યાસ કરી રહેલી રિચા ભારતી પર આરોપ હતો કે તેણે ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા ધર્મવિશેષની વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેનાથી સમુદાય વિશેષના લોકોની લાગણી દુભાઈ હતી. આની પ્રતિક્રિયામાં અંજુમન કમિટી પિઠોરિયાએ તેની પોસ્ટને વાંધાજનક અને ધાર્મિક ભાવનાને દુભાવનારી ગણાવીને એફઆઈઆર દાખલ કરાવી હતી. સ્થાનિક પોલીસે અંજુમન કમિટીની ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરતા બે કલાકની અંદર રિચાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધી હતી.
પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક લોકો ગુસ્સામાં આવી ગયા હતા. તેમનું કહેવું હતું કે રિચાને બે કલાકની અંદર જેલમાં મોકલી દેવામાં આવી. જ્યારે તેની પોસ્ટ પર ઘણી ગંભીર ટીપ્પણી કરનારાઓ બહાર છે. પોલીસ અધિકારી દ્વારા તપાસ કર્યા વગર રિચાને જેલમાં મોકલવા વિરુદ્ધ 13 જુલાઈએ જનાક્રોશ ભડકી ગયો હતો. લોકો રિચાને મુક્ત કરવા અને પોલીસ અધિકારી પર કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા હતા.
રિચા ભારતીના ટેકામાં વિશ્વ હિંદુ પરિષદ, આરએસએસ, બજરંગ દળ, હિંદુ જાગરણ મંચના રાંચી જિલ્લાના પદાધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. લોકોએ પોલીસ અધિકારી પર એક તરફી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે જે ધર્મને લઈને યુવતીએ ટીપ્પણી કરી છે, તે ધર્મના લોકોએ પ્રતિક્રિયામાં યુવતીના ધર્મને લઈને બેહદ વાંધાજનક ટીપ્પણીઓ કરી છે. તેવામાં જ્યારે મામલો દ્વિમાર્ગી હતો, તો પછી કાર્યવાહી એકતરફી કેમ કરવામાં આવી છે?