નવી દિલ્હી : ભાજપને બીજી વખત મોટી જીત પ્રાપ્ત થઈ છે અને કેન્દ્રમાં સરકાર બનાવી છે. ભાજપના મહાસચિવ રામ માધવે દાવો કર્યો છે કે ભાજપ સત્તામાં સૌથી વધુ સમય રહેવાનો કોંગ્રેસનો રેકોર્ડ તોડશે અને 2047 સુધી શાસન કરશે. ભાજપના નેતાએ કહ્યુ છે કે જ્યારે દેશ 2047માં 100મો સ્વતંત્રતા દિવસ માનવશે, ત્યારે ભાજપ સત્તામાં હશે.
ત્રિપુરાની રાજધાની અગરતલામાં એક રેલીને સંબોધિત કરતા રામ માધવે કહ્યુ છે કે લાંબા સમય સુધી સત્તામાં રહેનારી પાર્ટી અત્યાર સુધી કોંગ્રેસ છે. કોંગ્રેસ 1947થી 1977 સુધી સત્તામાં રહી, પરંતુ હું દાવો કરું છું કે મોદીજી આ રેકોર્ડને તોડશે અને 2047માં 100મા સ્વતંત્રતા દિવસ સુધી ભાજપ સત્તામાં રહેશે. આ કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ દેવ પણ હાજર રહ્યા હતા.
રામ માધવે એમ પણ કહ્યુ હતુ કે મોદીએ વૈશ્વિક મંચ પર દેશ અને તેના નાગરિકનું સમ્માન વધાર્યું છે અને તે કારણ છે કે કેન્દ્રમાં બીજી વખત ભાજપ ચૂંટાયું છે. રામ માધવે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે ચૂંટણી સમાપ્ત થઈ છે, માટે તેમણે ભાજપના ટેકેદારો અને બિનટેકેદારો વચ્ચે ફરક કરવો જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે આ 130 કરોડ ભારતીયોની સકરાર ચે, જેણે દેશના લોકોને એકજૂટ કર્યા છે અને શાંતિ તથા વિકાસ કાયમ કર્યો છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘણી સભાઓમાં કહ્યુ હતુ કે ભાજપ 50 વર્ષ સુધી સત્તામાં રહેવા માટે આવ્યું છે. એપ્રિલ-2018માં અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ભાજપ કાર્યકર્તાઓએ 50 વર્ષ સુધી પંચાયતથી લઈને પાર્લિયામેન્ટ સુધી વિજય જ વિજયની કલ્પના કરવી જોઈએ. તેના સિવાય તેમણે બીજું કંઈ વિચારવું જોઈએ નહીં.
બાદમાં સપ્ટેમ્બર-2018માં ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કહ્યુ હતુ કે 2019ની લોકસભાની ચૂંટણી તો તેઓ જીતશે જ અને તેના પછી 50 વર્ષ સુધી ભાજપને કોઈ હરાવી શકશે નહીં. અમિત શાહના સંબોધનને મીડિયાની સામે રજૂ કરતા રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આ કોઈ અહંકાર નથી, આ વાત પ્રદર્શનના આધારે કહેવાય રહી છે.