– ડૉ. મનિષ દોશી
૨૦ ઓગષ્ટ, રાજીવ ગાંધીનો ૭૫મો જન્મદિન છે, ત્યારે વંદન કરું છું. રાજીવજી એ દેશના કરોડો યુવાનોની આંખમાં સપનાં ભરવાનું મહાન કામ કર્યું છે. આજે ભારતીય યુવાન વિશ્વ ફલક પર વિસ્તરી રહ્યો છે, એનાં મૂળમાં રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ ભરી નીતિઓ કારણભૂત છે. રાજીવ ગાંધીએ ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા યુવાનોને 18 વર્ષે મતાધિકાર આપ્યો. રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે હંમેશા દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડી અને મહત્વપૂર્ણ નિર્ણય લીધાં. રાજીવ ગાંધીનો 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. આકાશમાં ઉડાન ભરવા કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મેળવ્યું હતું.” ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય વિમાની સેવા ઇન્ડિયન એરલાઇન્સના પાયલોટ બન્યા હતા.
શ્રીરાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવાન વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધી ઉમદા અને મનોહર વ્યક્તિત્વ ધરાવતા હોવાની સાથે સહજતાથી સમાજના તમામ વર્ગોના લોકો સાથે હળી મળી જતા હતા. એક જાજરમાન માતા ઈન્દીરાજીના પુત્રની અસર પણ તેમના વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થતી હતી.
દેશમાં આમૂલ પરિવર્તન લાવનારા રાજીવ ગાંધીને દેશના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી એટલે કે, (કોંગ્રેસને)લોકસભાની કુલ ૫૪૧ પૈકી ૪૧૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. 31 ઓક્ટોબર, 1984ના રોજ તેમની માતાની થયેલી ક્રૂર હત્યાના કરુણ સંજોગોમાં પ્રધાનમંત્રી અને કોંગ્રેસના પ્રમુખ એમ બંને પદ સંભાળવા કોઇપણ વ્યક્તિ માટે મુશ્કેલ બની રહે. છતાં તેમણે નોંધપાત્ર ગૌરવ અને નિયંત્રણ સાથે વ્યક્તિગત શોક અને રાષ્ટ્રીય જવાબદારીઓ એમ બંને ભારનું વહન કર્યું હતું
રાજીવ ગાંધીના કાર્યકાળમાં ““નવી શિક્ષણ નીતિ”” દાખલ કરીને આધુનિક ભારત, સાક્ષર ભારતના નિર્માણના કામને વેગવંતુ બનાવવામાં આવ્યું. શિક્ષણમાં કોમ્પ્યુટર, ટેક્નોલોજીને દાખલ કરીને વિધિવત રીતે ભારતના ભાવિ માટે જરૂરી કોમ્પ્યુટર ક્ષેત્રના નિષ્ણાંતો તૈયાર કરવાનું કામ આગળ ધપાવવામાં આવ્યું. દેશમાં ગરીબ, સામાન્ય વર્ગના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી શકે તે માટે જવાહર નવોદય વિદ્યાલય દેશભરમાં સ્થાપી પરિણામે આજે અનેક વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર શિક્ષણ મેળવીને આઈ.આઈ.ટી., એન. આઈ.ટી. સહિતની રાષ્ટ્રિય સંસ્થામાં ઉચ્ચશિક્ષણ મેળવીને ભારત દેશ માટે કામ કરી રહ્યાં છે.
દેશમાં ઓરી, અછબડા, શિતળા, પોલીયો સહિતના રોગો સામેની રસી ઉપલબ્ધ ન હોવાથી રાજીવ ગાંધીએ તાત્કાલિક અસરથી વૈજ્ઞાનિકોને બોલાવીને ઘર આંગણે રસીનું ઉત્પાદન શક્ય બનાવ્યું. ત્યારબાદ રસીકરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમથી “પોલીયોમુક્ત”, “શિતળામુક્ત” ભારત બની શક્યું. રાજીવજીએ ટેક્નોલોજી મિશનની સ્થાપના દ્વારા તેલબીયાંમાં શોધ-સંશોધન, પરિણામે ઉત્પાદનમાં વધારાથી ખેડૂતો સાથે ભારતને પણ કૃષિ ક્ષેત્રે અનેક ગણો ફાયદો થઈ રહ્યો છે. શુધ્ધ પીવાનું પાણી નાગરિકોનો અધિકાર છે, તે દિશામાં પણ ટેક્નોલોજીના માધ્યમથી મોટાપાયે કામગીરી શરૂ થઈ.
રાજીવ ગાંધી વ્યક્તિ નહિ પણ વિચાર કારણ કે, રાજીવજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આધુનિક શિક્ષણ, કોમ્પ્યુટર શિક્ષણ, સંચારક્રાંતિ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર, તેલબીયા, રસીકરણ, શુધ્ધ પીવાનું પાણી, પર્યાવરણ સહિતના વિચારોના દ્રઢપણે અમલીકરણના કારણે આજે ભારત વિશ્વના નક્શા પર અવલ્લ નંબરે છે. જાહેર સાહસો ઉભા કરીને ભારતની તિજોરીને ફાયદો થાય તેવા વિચાર સાથે અનેક ઉદ્યોગ સાહસોનું આધુનિક ટેક્નોલોજીથી રૂપાંતર કરીને સાર્વજનિકરણ કર્યું. જેના માટે સૌ ભારતીયોને ગૌરવ છે.
૧ર, નવેમ્બર-૧૯૮૪ના રોજ રાષ્ટ્રજોગ પ્રસારણમાં રાજીવજીએ જણાવ્યું હતું કે, ‘‘આપણે જેમ આજનું નિર્માણ કરીએ છીએ તેમ આવતીકાલનું નિર્માણ કરીશું. આપણે સાથે મળીને ર૧મી સદીના ભારતનું નિર્માણ કરીશું, આપણે સાથે મળીને જ્યાં પરિવર્તનની જરૂર હોય ત્યાં પરિવર્તન લાવીશું. આપણે પ્રગતિ આડેના તમામ પડકારો અને અવરોધોનો સાથે મળીને સામનો કરીશું. સાથે મળીને આપણે એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરીશું કે જેમાં શાંતિ અને સહિષ્ણુતાની જ્યોત સદા પ્રજ્જવલિત રહેશે.’’
ભારતનાં 6 લાખ ગામડાંઓનાં ઉત્કર્ષ માટે રાજીવજીના અથાગ પ્રયાસોથી પંચાયતી રાજના મંડાણ કરીને છેવાડાના સ્તરે લોકતંત્રને એક નવો જ રાહ ચીંધી બંધારણમાં ૭૩મા અને ૭૪મા સુધારાને દાખલ કરી ભારતમાં પંચાયતીરાજની વાસ્તવિકતા સાથે મહિલાઓને ૩૩ ટકા અનામતની જોગવાઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ કાર્ય કર્યું.
રાજીવજી દ્રઢપણે એવું માનતા હતા કે, “આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી જ રાષ્ટ્રને ગરીબીમાંથી મુક્તિ અપાવી શકે”. “વિજ્ઞાન અને ગરીબી સહઅસ્તિત્વ ધરાવી શકે નહીં.” ભારતીય ઉદ્યોગનો તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ થાય. રાજીવજી માટે પ્રજામાં સમાનતાનું અદકેરું મહત્વ હતું.
રાજીવજી માટે રાષ્ટ્રીય એકતા એ ભારતનું જીવન અને આત્મા હતો. વડાપ્રધાન તરીકે તેમણે પંજાબ સમજૂતિ, આસામ સમજૂતિ અને મિઝોરમ સમજૂતિ દ્વારા ઉત્તરથી પૂર્વોત્તર સુધી શાંતિ લાવવા માટે આતંકવાદ સામે સફળતાપૂર્વક લડત આપી હતી. રાજીવજી માટે રાષ્ટ્ર એ અંગત હિતથી તેમજ પક્ષના હિતથી પણ પર હતું. આતંકવાદ અને ઉગ્રવાદ પર શાંતિનો વિજય થયો હતો. તેમણે હંમેશાં જણાવ્યું હતું કે, “તેઓ ભારતને સંગઠિત રાખવા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે. અલબત્ત, જ્યારે આપણે શ્રીપેરામ્બુદુરમાં આતંકવાદના હાથે શ્રી રાજીવ ગાંધીને ગુમાવ્યા ત્યારે સમગ્ર રાષ્ટ્રને તેની કિંમત ચૂકવવી પડી હતી.
આધુનિક વિચારધારા અને નિર્ણાયક મિજાજ ધરાવતા રાજીવ ગાંધી વિશ્વની આધુનિક ટેક્નોલોજીથી પરિચીત હતા. તેમણે વારંવાર કહ્યું હતું કે દે્શની એકતા અને અખંડિતતા કાયમ રાખવા ઉપરાંત એક હેતુ તે દેશને 21મી સદીમાં પ્રવેશ કરાવવાનો રહેશે. આ સ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું છે.
આવો, સાથે મળીને રાજીવજીના સ્વપ્નના ભારત નિર્માણમાં આપણે યોગદાન આપીએ, એ જ સાચી શ્રધ્ધાસુમન-સ્મરણાંજલી. રાજીવ ગાંધીને સલામ.
(લેખકઃ ડૉ. મનિષ એમ. દોશી, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા છે)
નોંધ- કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન હોવાને કારણે ડૉ. મનીષ દોશી કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે સ્વ. રાજીવ ગાંધીને યાદ કરે અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે તે સ્વાભાવિક જ છે. પરંતુ વિદ્યાર્થી નેતામાંથી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા સુધીની સફરમાં અને ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ સાથે જોડાવામાં પણ સ્વ. રાજીવ ગાંધી 17-07-1969માં જન્મેલા ડૉ. મનિષ દોશી માટે પ્રેરણા હતા. ડૉ. મનિષ દોશી જ્યારે 10મા ધોરણમાં હતા, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી રફાલેશ્વર, માટેલ ખોડિયારધામ આવ્યા હતા. કદાચ રાજીવ ગાંધીને જોવાનો કિશોરવયના ડૉ. મનિષ દોશી માટે પહેલો મોકો હતો અને બાદમાં રાજીવ ગાંધીનું વ્યક્તિત્વ જ તેમના કોંગ્રેસમાં પ્રવેશનું પ્રેરકબળ પણ બન્યું.