નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવામાં માત્ર ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે. આના પહેલા રાજકીય પાર્ટીઓ સતર્ક છે. વિપક્ષ સતત ઈવીએમમાં ગડબડ થવાનો આરોપ લગાવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સતર્ક રહેવાનું કહ્યું છે. બુધવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે પ્રિય કાર્યકર્તાઓ, આગામી 24 કલાક દરેક માટે મહત્વપૂર્ણ છે, માટે સતર્ક રહો અને સાવધાન રહો.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં અપીલ કરતા લખ્યુ છે કે કાર્યકર્તાઓ, સાવધાન રહો-સતર્ક રહો. પરંતુ તમે ડરો નહીં. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે તમે સત્ય માટે લડી રહ્યા છો, નકલી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ થાવ નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંદેશમાં કહ્યુ છે કે ખુદ પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો. તમારી મહેનત બેકાર નહીં જાય. જય હિંદ.
મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક ઓડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને એક્ઝિટ પોલ પર ધ્યાન નહીં આપવા અને સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવા માટે જણાવ્યું હતું.
જ્યારથી એક્ઝિટ પોલ સામે આવ્યા છે, ત્યારથી વિપક્ષમાં હલચલ વધી છે. એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ જીત મળતી દેખાઈ રહી છે. તેના પછી જ વિપક્ષ સતત ઈવીએમમાં ગડબડનો આરોપ લગાવી રહ્યું છે અને ચૂંટણી પંચને કડકાઈ દાખવવા માટે કહી રહ્યું છે.
વિપક્ષનો આરોપ હતો કે ઈવીએમમાં ગડબડ થઈ રહી છે, કેટલાક સ્થાનો પર ઈવીએમને બદલાય પણ રહ્યા છે. પરંતુ આ તમામ આરોપોને ચૂંટણી પંચે નામંજૂર કર્યા છે. વિપક્ષ જે વીવીપેટની 50 ટકા ચબરખીઓની મેળવણી કરવાની વાત કરી રહ્યું હતું, તેને પણ ચૂંટણી પંચે નામંજૂર કર્યું છે.
મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની આગેવાનીમાં વિપક્ષે ઈવીએમને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ, ટીએમસી, ટીડીપી સિવાય કુલ 21 વિપક્ષી દળના નેતાઓ હાજર હતા.