પટના: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે પટના સિવિલ કોર્ટમાં રજૂ થયા હતા. અહીં તેમને જામીન મળી ગઈ હતી. દશ હજાર રૂપિયાના અંગત બોન્ડ પર રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપી હતી. બિહારના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા સુશીલ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ દાખલ કરયો હતો.
જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે બંધારણ બચાવવા માટેની અમારી લડાઈ ચાલુ રહેશે. તેના માટે જ્યાં પણ જરૂરત પડશે, હું ત્યાં જઈશ. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આરએસએસ અને નરેન્દ્ર મોદીની વિચારધારાની સામે જે ઉભો થશે તેના પર હુમલો કરાશે, કોર્ટના કેસો કરવામાં આવશે. મારી લડાઈ બંધારણ, ગરીબો અને ખેડૂતોને બચાવવાની છે.
હકીકતમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તમામ મોદી ચોર છે, રાહુલ ગાંધીએ રેલીમાં કહ્યુ હતુ કે આખરે તમામ ચોરોનું નામ મોદી કેમ હોય છે? તે વખતે રાહુલ ગાંધી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનું ઉદાહરણ આપતા તેમનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તમામ ચોરોની અટક મોદી કેમ છે?
રાહુલ ગાંધીના આ નિવેદનથી બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી આક્રોશિત થયા હતા અને તેમણે કોંગ્રેસના નેતાની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરતા કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ આવા પ્રકારના ભાષણમાં મોદી ટાઈટલવાળા વ્યક્તિ છે, તેમનેચોર ગણાવ્યા છે. તેનાથી સમાજમાં તેમની છબી ખરાબ થઈ છે. સુશીલ મોદીએ કહ્યુ હતુ કે આ ગુનાહીત કૃત્ય છે, તેની સજા કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જરૂરથી મળવી જોઈએ.
આના પહેલા મુંબઈની એક કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને આરએસએસના એક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના મામલામાં 15 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળી હતી. ટૂંકી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસના કાર્યકર્તા દ્વારા તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સંદર્ભે કહ્યુ હતુ કે તેઓ દોષિત નથી. મહત્વપૂર્ણ છે કે આરએસએસના કાર્યકર્તા ધૃતિમાન જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બેંગલુરુના પત્રકાર ગૌરી લંકેશની 2017માં થયેલી હત્યાનો સંબંધ દક્ષિણપંથી સંગઠન સાથે જોડવાનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડયો હતો.