યુપીમાં એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં લખીમપુર ખીરી જિલ્લાના ગોલા વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવ્યો હતો.
આ મામલાની કોંગ્રેસી કાર્યકર્તાઓને જાણકારી મળતાની સાથે ભારે હંગામો સર્જાયો હતો. બાદમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના લોકોએ કોઈક રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને સમજાવ્યા હતા.
ગોલા વિસ્તારમાં સોમવારે સવારે લોકો ઈન્દિરા પાર્કમાં સવારે ફરવા માટે પહોંચ્યા, તો તેમણે ભૂતપૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પ્રતિમાના ચહેરાને બુરખાથી ઢાંકેલો જોયો. આ ખબર થોડીક ક્ષણોમાં આખા શહેરમાં ફેલાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હંગામો કરવાનું શરૂ કરાયું હતું.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તાત્કાલિક ઈન્દિરા ગાંધીની પ્રતિમા પરથી બુરખો હટાવ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું કે જલ્દીથી તોફાની તત્વોને પકડીને કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે તોફાની તત્વોએ આ હરકત શહેરના માહોલને ખરાબ કરવા માટે કરવામાં આવી છે.