- આજે ગુરુ નાનક જન્મજયંતિની કરાશે ઉજવણી
- રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ ગુરુ નાનક દેવને કર્યા નમન
- તમામ દેશવાસીઓને પાઠવી શુભકામના
દિલ્લી: દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ગુરુ નાનકદેવની જન્મજયંતિને ગુરુ પર્વ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પર્વ એ શીખ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. એવામાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવને નમન કર્યા છે.
પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, ‘ગુરુ નાનક દેવની જન્મજયંતિના શુભ પ્રસંગે હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા તમામ ભારતીયો, ખાસ કરીને શીખ સમુદાયના ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવું છું. આવો,આ શુભ પ્રસંગ પર આપણે બધા તેમના આચરણમાં તેના ઉપદેશોનું પાલન કરીએ.’
રાષ્ટ્રપતિએ આગળ લખ્યું કે, ‘ગુરુ નાનક દેવે લોકોને એકતા, સુમેળ, ભાઈચારો અને સેવાનો માર્ગ બતાવ્યો અને પરિશ્રમ, પ્રામાણિકતા અને આત્મસન્માન પર આધારીત જીવનશૈલીને સાકાર કરવા આર્થિક દર્શન આપ્યા. તેમનું જીવન અને તેના ઉપદેશો સમગ્ર માનવજાત માટે પ્રેરણા છે. ‘
વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘હું શ્રી ગુરુ નાનક દેવજીને તેમના પ્રકાશ પર્વ પર નમન કરું છું. તેમના વિચારો સમાજની સેવા કરવા અને વધુ સારી દુનિયાની ખાતરી માટે પ્રેરણા આપે. ‘
ગુરુ નાનક દેવનો જન્મ પાકિસ્તાનના તલવંડીમાં થયો હતો. આ સ્થાન નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. આ સ્થાન શીખ સમુદાયના લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે. ગુરુ નાનક દેવ પવિત્ર આત્મા, ભગવાનનો સાચો પ્રતિનિધિ, મહાન માણસ અને મહાન ધર્મના સ્થાપક હતા.
ગુરુ નાનક દેવજીનું 22 સપ્ટેમ્બર 1539 ના રોજ કરતારપુરમાં નિધન થયું હતું. ગુરુ નાનક દેવના નિધન પછી દર વર્ષે હિન્દુ અને શીખ ધર્મના અનુયાયી તેમની યાદમાં પ્રકાશત્સવ સાથે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેવ દિવાળી દર વર્ષે પ્રકાશ પર્વના દિવસે ઉજવવામાં આવે છે.
_Devanshi