પ્રણવ મુખર્જીએ કર્યા ચૂંટણીપંચના વખાણ, રાહુલે કહ્યું હતું- ECએ મોદી સરકારને આત્મસમર્પણ કરી દીધું
લોકસભા ચૂંટણીના પરિણામો આવવાને હજુ 2 દિવસ બાકી છે, પરંતુ એક્ઝિટ પોલથી જ વિપક્ષમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે જ ચૂંટણીપંચની ભૂમિકા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષે સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચૂંટણીપંચના વખાણ કર્યા છે.
સોમવારે મીડિયા સાથે વાત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે જો આપણે સંસ્થાઓને મજબૂત કરવા માંગતા હોઈએ તો આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે આ સંસ્થાઓ દેશની સારી રીતે સેવા કરી રહી છે. જો લોકતંત્ર સફળ સાબિત થઈ રહ્યું છે તો આ માટે ચૂંટણીપંચને ઘણી હદ સુધી જવાબદાર માનવામાં આવવું જોઇએ. સુકુમાર સેનથી લઈને પ્રવર્તમાન ચૂંટણી અધિકારીઓએ આ માટે બહુ કામ કર્યું છે.
થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહેલું, ‘ઇલેક્ટોરલ બોન્ડ, ઇવીએમથી લઇને ચૂંટણી કાર્યક્રમ સાથે ચેડાં, નમો ટીવી, મોદીકી સેના પછી હવે આ કેદારનાથમાં ડ્રામા. ચૂંટણીપંચે મિસ્ટર મોદી અને તેમની ગેંગ સામે આત્મસમર્પણ બધા ભારતીયોએ જોયું છે.’ રાહુલે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘ચૂંટણીપંચનું કામ ફક્ત ડરાવવું અને આદર કરવાનું છે બીજું કંઇ નહીં.’