ભારત-અમેરિકા વચ્ચે વાતચીત: UNના મુખ્યમથકમાં જ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા – Father of India
- ત્રણ દિવસમાં પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત
- દ્વિપક્ષીય મુલાકાતમાં ટ્રમ્પે કહ્યુ, ટ્રેડ ડીલ જલ્દીથી થશે
- મોદીએ ટ્રમ્પને ભારત અને પોતાના સારા મિત્ર ગણાવ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ યુએન મુખ્યમથક ખાતે જ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ દ્વિપક્ષીય વાતચીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ દિવસમાં બીજી મુલાકાત છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતીય સમયાનુસાર મંગળવારે પોણા દશ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને પોતાના અને ભારતના સારા મિત્ર ગણાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે હું હ્યૂસ્ટનમાં આવવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભારી છું. તેઓ મારા મિત્ર છે, પરંતુ તેઓ ભારતના પણ સારા મિત્ર છે. પીએમ મોદીની સાથેની દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યુ છે કે મોદી અને ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. યુએન મુખ્યમથક ખાતે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે હું ટ્રમ્પનો આભારી છું કે તેઓ હ્યૂસ્ટન આવ્યા. તેઓ માત્ર મારા જ મિત્ર નથી, પરંતુ ભારતના પણ સારા મિત્ર છે. ત્યારે ટ્રમ્પે કહ્યુ હતુ કે જલ્દીથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થશે.
પાકિસ્તાનમાં આતંકવાદ પર ટ્રમ્પે કહ્યુ છે કે પીએમ ઈમરાન ખાન સાથે મારી વાત થઈ છે, મને આશા છે કે કંઈક સારું નીકળશે. ભારતીય પીએમ મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. મને આશા છે કે તમારા પીએમ (નરેન્દ્ર મોદી) આનું સમાધાન કરશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાધર ઓફ નેશન કહીને સંબોધિત કર્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ હતુ કે તે (મોદી) સારા વ્યક્તિ છે અને મહાન નેતા છે. હું ભારતને ઘણાં વખત પહેલાથી જાણું છું. ત્યાં ખૂબ કલેશ, લડાઈ-ઝઘડો હતો. પરંતુ તેઓ (મોદી) સૌને સાથ લઈને આવ્યા. જેવું કોઈ પિતા સૌને સાથ લઈને આવે, તેવી રીતે જ. બની શકે કે ફાધર ઓફ ઈન્ડિયા હોય. અમે તેમને ફાધર ઓફ ઈન્ડિયા કહીશું. મહત્વપૂર્ણ છે કે ભારતમાં મહાત્મા ગાંધીને ફાધર ઓફ નેશન તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન મોદી માટે ટ્રમ્પ દ્વારા વાપરવામાં આવેલા શબ્દો ભારતમાં રાજકીય વિવાદનું કારણ બને તેવી શક્યતાઓ છે. પરંતુ તેની વચ્ચે ટ્રમ્પ દ્વારા આતંકવાદનું સમાધાન કરવા માટે મોદી સક્ષમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ટ્રમ્પના શબ્દો એક રીતે પાકિસ્તાન દ્વારા આતંકની ચલાવાતી ફેક્ટરીને આકરો સંદેશ માનવામાં આવે છે.
ટ્રમ્પે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે. પીએમ મોદીએ આતંકવાદ પર ખુલ્લા મનથી વાતચીત કરી અને સ્પષ્ટપણે પક્ષ મૂક્યો. બંને દેશ મળીને કાશ્મીર મામલાનો હલ કાઢી શકે છે. આફણે સાથે મળીને ઈસ્લામિક આતંકવાદનો ઉકેલ લાવીશું.
ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદી રોકસ્ટાર એલવિસ પ્રેસ્લીની જેમ લોકપ્રિય છે. હું મોદીને ઘણાં પસંદ કરું છું.
પીએમ મોદીએ કહ્યુ છે કે ભારત અને અમેરિકા ઝડપથી આગળ વધી રહ્યા છે. આપણી દોસ્તી વધુ મજબૂત થશે. તો આતંકવાદની વિરુદ્ધ સાથે મળીને લડવાની વાત પણ કરી.
ટ્રમ્પે કહ્યુ કે મોદી અને ઈમરાન વાતચીત કરીને મામલાનો ઉકેલ લાવી શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની આશા છે. બંને દેશો વચ્ચે સાત બિલિયન ડોલરની ડીલ થવા જઈ રહી છે. પીએમ મોદીએ 50 હજાર નવી નોકરીઓ મળવાની વાત કહી છે.
મહત્વપૂર્ણ છે કે યુએનજીએમાં પોતાના ભાષણ દરમિયાન આગામી સમય ગ્લોબલિસ્ટનો નહીં, પણ દેશભક્તો સાથે સંબંધ ધરાવનારાનો હશે તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. તેના થોડા સમય બાદ જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. આ બંને નેતાઓ વચ્ચે ત્રણ દિવસમાં બીજી વખત યોજાઈ હતી.
40 મિનિટની દ્વિપક્ષીય મુલાકાત બાદ મોદીએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હ્યૂસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમની એક તસવીર ભેંટ આપી હતી.
દ્વિપક્ષીય મુલાકાત બાદ વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને જણાવ્યુ કે કેવી રીતે તેઓ ખૂબ ઓછી સુરક્ષા સાથે લાહોર ગયા હતા અને તેના થોડાક દિવસો બાદ જ પઠાનકોટ એરબેઝ પર હુમલો થયો હતો અને તેના ષડયંત્રકારીઓ પર કાર્યવાહી થઈ નથી.
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે મુલાકાતમાં આંતકવાદ પર લાંબી ચર્ચા થઈ , ખાસ વાત જમ્મુ-કાશ્મીરમાં દશકાઓથી ફેલાયેલા આતંકવાદ પર વાતચીત થઈ હતી.
વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે મુલાકાતમાં ટ્રેડ ડેફિસિટ ઘટાડવા પર વાત થઈ હતી, જલ્દથી બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે.