પાકિસ્તાનનું નામ લીધા વગર સામે બેઠેલા ઈમરાનને પીએમ મોદીનો સંદેશ: ‘આતંકને આશ્રય આપનારાઓ સામે કડક થવું જરૂરી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આતંકવાદનો મુદ્દો દુનિયાની સામે ઉઠાવ્યો છે. બિશ્કેકમાં ચાલી રહેલા શંઘાઈ કોરપોરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટમાં શુક્રવારે પીએમ મોદીએ કહ્યુ છે કે તમામ દેશોના આતંકવાદ સામે લડાઈ લડવા માટે સાથે આવવું પડશે અને તેનો સફાયો કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એસસીઓ મંચ પર આતંકવાદના મામલે ઠપકો આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન પણ ત્યાં હાજર હતા. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
પીએમ મોદીએ એસસીઓ સદસ્ય દેશોને અપીલ કરી છે કે આપણે આતંકવાદના મુદ્દે એકજૂટ થવું પડશે અને આતંકવાદના મામલા પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવવી પડશે. પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ શ્રીલંકા અને માલદીવની મુલાકાત વખતે પણ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ઘણાં નેતાઓની સામે કહ્યુ હતુ કે હું ગત સપ્તાહે શ્રીલંકાના ચર્ચમાં ગયો હતો. જ્યાં ચર્ચમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આપણે સૌએ આતંકવાદની સામે એકજૂટ થવું જોઈએ. એસસીઓ સદસ્યોને આતંકવાદનો સફાયો કરવા માટે એક થવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદનો સામનો કરવા માટે આપણે એક થવું પડશે અને આંતરરાષ્ટ્રીય સંમેલન કરવું જોઈએ. આતંકવાદ દરરોજ માસૂમ બાળકોના જીવ લે છે. આતંકવાદનો સફાયો કરવો જરૂરી છે અને તેનો સામનો કરવા માટે સૌએ સાથે આવવું પડશે.
પીએમ મોદીએ એમ પણ કહ્યુ હતુ કે હાલના સમયમાં કનેક્ટિવિટી બેહદ જરૂરી છે. લોકોનો પારસ્પરીક સંપર્ક થવો પણ જરૂરી છે. ટૂંક સમયમાં ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝ્મની જાણકારી પણ હશે. તેમણે કહ્યુ હતુ કે અફઘાનિસ્તાનના લોકો સાથે મળીને આપણે આગળ વધીશું. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં ભારત તરફથી ચલાવામાં આવતી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની સાથે જ એસસીઓ દેશોની વચ્ચે હેલ્થ, ટૂરિઝ્મ સહીત અન્ય સેક્ટરોના પ્રોત્સાહનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે બહુપક્ષીય વેપાર પ્રણાલીની જરૂરત છે. જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યુ છે કે ભારત જળવાયુ પરિવર્તનને લઈને સકારાત્મક પગલા ઉઠાવી રહ્યું છે.
એસસીઓ સમિટ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આપણું લક્ષ્ય સ્વસ્થ સહયોગને મજબૂત કરવાનું છે, તેમણે આના માટે નવી ફેર્મ્યુલા ‘HEALTH’ પણ આપી છે. તેનો અર્થ છે- H – આરોગ્યના ક્ષેત્રમાં સહયોગ (Health Cooperation), E – આર્થિક સહયોગ (Economic Cooperation), A – વૈકલ્પિક ઊર્જા (Alternative Energy), L – સાહિત્ય અને સંસ્કૃતિ (Literature and Culture), T – આતંકમુક્ત સમાજ (Terrorism-free Society) તથા H – માનવીય સહયોગ (Humanitarian Cooperation).’
મહત્વપૂર્ણ છે કે આના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે શ્રીલંકા ગયા હતા, ત્યારે પણ તેમણે આતંકવાદના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની વાત કહી હતી. એસસીઓ સમિટમાં આવા ઘણાં મોકા આવ્યા છે, જ્યારે ઈમરાનખાન અને નરેન્દ્ર મોદીનો આમનો-સામનો થયો છે. જો કે દર વખતે બંને નેતાઓની વચ્ચે કોઈપણ સંવાદ થયો નથી.