વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શૉ ચાલુ છે. કાશીના રસ્તાઓ પર હાલ માનવ મહેરામણ ઉમટ્યું છે. પીએમ મોદી એક ગાડી પર સવાર છે. તેમની પાછળ એક ટ્રકમાં સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત બીજેપીના મોટા નેતાઓ પણ સામેલ છે. રોડ શૉ શરૂ કરતા પહેલા તેમણે કાશી હિંદુ વિશ્વવિદ્યાલયની બહાર મદન મોહન માલવીયની પ્રતિમાને માળા અર્પણ કરી. પીએમને જોવા માટે રસ્તાની બંને તરફ લોકોની ભારે ભીડ જામી છે.
શૉ પહેલા જ કાશીની સડકો ભગવામય થઈ ગઈ છે. 26 એપ્રિલે મોદી પોતાનું નોમિનેશન ફાઇલ કરે તે પહેલા ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત દર્શાવવા માંગે છે.
પીએમનો રોડ શૉ બીએચયુ સ્થિત માલવીય પ્રતિમાથી શરૂ થશે અને લગભગ 7 કિલોમીટરનું અંતર કાપીને દશાશ્વમેધ ઘાટ પર પૂરો થશે. તેઓ દશાશ્વમેધ ઘાટ પર જ ગંગા આરતીમાં પણ સામેલ થશે. શુક્રવારે તેઓ કાલભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા પછી પોતાનું નોમિનેશન ફાઇલ કરશે. આખા રોડ શૉ દરમિયાન 25 ક્વિન્ટલ ગુલાબ અને બીજા ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવશે.