અડવાણી-જોશીને મળ્યા મોદી-શાહ, મુરલી મનોહર બોલ્યા- અમે બીજ વાવ્યું, ફળ આપવાની જવાબદારી તમારી
લોકસભા ચૂંટણીમાં એનડીએને મળેલા સ્પષ્ટ બહુમત પછી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા. અડવાણી માટે મોદીએ કહ્યું, ‘આજે બીજેપીની આ સફળતા સન્માનનીય અડવાણીજી જેવા મહાન લોકોને કારણે સંભવી શકી છે, જેમણે પાર્ટીના ગઠનમાં અને લોકોને નવી વિચારધારાઓ આપવામાં તેમની જિંદગીના દાયકાઓ ખર્ચી નાખ્યા.’
અડવાણીને મળ્યા પછી મોદી અને શાહ બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ મળ્યા. જોશી માટે મોદીએ કહ્યું કે, ‘ડૉ. મુરલી મનોહર જોશી એક સ્કોલર છે અને ખૂબ બુદ્ધિશાળી અને વિદ્વાન છે. ભારતીય શિક્ષણનો વિકાસ કરવામાં તેમનું અભૂતપૂર્વ યોગદાન છે. તેમણે હંમેશાં બીજેપીને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે અને અનેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે, જેમાં હું પણ સામેલ છું.’
વડાપ્રધાન સાથે મુલાકાત પછી મુરલી મનોહર જોશીએ મીડિયાને કહ્યું, ‘આ અમારી પાર્ટીની પરંપરા છે. અમે વયોવૃદ્ધ પાસેથી શુભકામનાઓ મેળવીએ છીએ, જેથી ભવિષ્યમાં વધુ શક્તિ સાથે કામ કરી શકીએ. એ જ દ્રષ્ટિએ પ્રધાનમંત્રીજી અને અધ્યક્ષજી અહીંયા આવ્યા હતા. બંનેએ જાદૂઇ આંકડો હાંસલ કર્યો. અમે પાર્ટીનું બીજ વાવ્યું હતું. હવે દેશને સ્વાદિષ્ટ ફળ અપાવવા આ બંનેની જવાબદારી છે.’
‘એક વાત સ્પષ્ટ હતી કે દેશની સામે મજબૂત સરકાર બનાવવાની જરૂર હતી. એક પાર્ટી તરીકે ભાજપ અને વડાપ્રધાન તરીકે મોદીનો કોઈ વિકલ્પ નહોતો. વિપક્ષ તેમની સામે કંઇ જ ન કરી શક્યો. હું ફક્ત એક આશા રાખું છું કે પાર્ટી પોતાનું શ્રેષ્ઠતમ કામ કરે અને લોકોને પરિણામો આપે.’
જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે મોદી તમારે ત્યાં 15 મિનિટ રહ્યા, તો તેમણે કહ્યું કે વડાપ્રધાન મારે ત્યાં મહિનાઓ સુધી રહ્યા છે, 15 મિનિટ તો ખૂબ ઓછી છે.
30 મેના રોજ થઈ શકે શપથ ગ્રહણ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નરેન્દ્ર મોદી 28 મેના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં આભાર રેલી કરશે. ત્યારબાદ 30 મેના રોજ તેમનો શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અડવાણી-જોશી પાર્ટીના માર્ગદર્શક મંડળમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નરેન્દ્ર મોદી 28 મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આભાર રેલી કરશે. ત્યારબાદ 30 મેના રોજ તેમનો શપથ ગ્રહણ સમારંભ યોજાઈ શકે છે.
23 મેના રોજ આવેલા પરિણામોમાં ભાજપ+ને 352, કોંગ્રેસ+ને 87 અને અન્યને 103 સીટ્સ પર જીત મળી છે. ભાજપે પોતાના દમ પર 303 સીટ્સ જીતી.