1. Home
  2. revoinews
  3. પીએમ મોદી સાથે 65 પ્રધાનોની શપથવિધિની શક્યતા, 17 નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો
પીએમ મોદી સાથે 65 પ્રધાનોની શપથવિધિની શક્યતા, 17 નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો

પીએમ મોદી સાથે 65 પ્રધાનોની શપથવિધિની શક્યતા, 17 નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો

0
Social Share

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ગુરુવારે બીજી વખત શપથગ્રહણ કરી રહી છે. પીએમ મોદીના નવા પ્રધાનમંડળમાં 17 નવા ચહેરાઓને સ્થાન અપાય તેવી શક્યતા છે. તેની સાથે પ્રધાનમંડળમાં પ્રધાનોની સંખ્યા 65ની થાય તેવી પણ શક્યતા છે.

વિદેશ અને નાણાં મંત્રાલયને લઈને સસ્પેન્સ યથાવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની વચ્ચે ફરી એકવાર બેઠકમાં મંથન થયું છે. અમિત શાહને નાણાં મંત્રાલય આપવામાં આવે તેવી ચર્ચાઓ વચ્ચે એક મીડિયા અહેવાલમાં તેમને ભાજપ અધ્યક્ષ તરીકે યથાવત રાખવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે પહેલા એવી પણ અટકળો હતી કે અમિત શાહને ગૃહ મંત્રાલયને લગતી જવાબદારી સોંપવામાં આવશે.

સૂત્રો મુજબ, મોદીના પ્રધાનમંડળમાં આ વખતે 65 પ્રધાનોની શક્યતા છે. તેમાં 16 નવા ચહેરા હોવાની સંભાવના છે. 2014માં 45 પ્રધાનોને શપથગ્રહણ કરાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કુલ પ્રધાનોની સંખ્યા 76 થઈ હતી.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ આરોગ્યલક્ષી કારણોને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા પ્રધાનમંડળમાં તેમને સામેલ નહીં કરવાનો આગ્રહ કરતો પત્ર પણ લખી ચુક્યા છે. તેને લઈને પીએમ મોદી રાત્રે 8-50 કલાકે જેટલીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના ખબરઅંતર જાણ્યા હતા. જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયનો પ્રભાર પિયૂષ ગોયલ પાસે રહ્યો હતો. પરંતુ હવે આ જવાબદારી ભાજપ અધ્યક્ષ અમિત શાહને સોંપવામાં આવે તેવી અટકળબાજીઓ તેજ બની છે.

નિવર્તમાન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ ચૂંટણી લડયા નથી. તેમણે પણ પ્રધાન પદ નહીં સંભાળવાની મનસા જાહેર કરી છે. તેવામાં વિદેશ પ્રધાનના નામ પર પણ સસ્પેન્સ છે. સૂત્રો મુજબ, આ જવાબદારી નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ અથવા સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવે તેવી શક્યતા છે.

નવા ચહેરાઓને લઈને ચર્ચા-

અપરાજિતા સારંગી ઓડિશા
બૃજેન્દ્રસિંહ હરિયાણા
વિજય ચોથાઈવાલા મોદીની વિદેશ યાત્રાઓનું મેનેજમેન્ટ સંભાળ્યું
જોએલ ઓરામ ઓડિશા
અર્જુન મુંડા ઝારખંડ
સુનીલ સોરેન ઝારખંડ
અર્જુનસિંહ પ.બંગાળ
દિલીપ ઘોષ પ. બંગાળ
જૉન બારલા પ. બંગાળ
લૉકેટ ચેટર્જી પ. બંગાળ
શાંતનુ ઠાકુર પ. બંગાળ
કિશન રેડ્ડી તેલંગાણા
અરવિંદ કુમાર તેલંગાણા
દીયા કુમારી રાજસ્થાન
અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ
સુધાંશુ મિત્તલ નવી દિલ્હી
અરવિંદ સાવંત શિવસેના- મહારાષ્ટ્ર, પ્રધાન બનવું નિશ્ચિત

ગૃહ મંત્રાલય માટે રાજનાથસિંહનું નામ નક્કી માનવામાં આવે છે. વિદેશ અને સંરક્ષણ મંત્રાલય માટે નીતિન ગડકરી અને નિર્મલા સીતારમણના નામની ચર્ચા છે. બીજી તરફ રેલવે મંત્રાલય માટે પિયૂષ ગોયલની દાવેદારી મજબૂત છે. સ્મૃતિ ઈરાનીને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ એક શક્યતાની ખાસી ચર્ચા છે.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે જેડીયુના સદસ્યોને પ્રધાનમંડળમાં સામેલ કરવાને લઈને ચર્ચા થઈ છે. એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાનને પણ કેબિનેટમાં સ્થાન મળવાનું છે. લોકસભામાં માત્ર એક બેઠક જીતનારી એઆઈએડીએમકેના સાંસદને પણ પ્રધાનપદ આપવામાં આવે તેવી શક્યતા છે.

જો કે આ તમામ બાબતો પર સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી રહી નથી. તેને કારણે જ્યારે સત્તાવાર માહિતી સામે આવશે, ત્યારે જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code