2014માં લોકશાહીના સર્વોચ્ચ મંદિરની સીડીઓને નમન, 2019માં લોકશાહીના સર્વોચ્ચ પુસ્તકને પીએમ મોદીના પ્રણામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કંઈપણ બોલ્યા વગર પણ મોટા સંદેશા આપવા માટે જાણીતા છે. 2014માં મોટી જીત બાદ જ્યારે નરેન્દ્ર મોદી લોકસભામાં ચૂંટાયા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે તેમણે સંસદભવનની સીડીઓ પર માથું ઝુકાવીને નમન કરીને લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ અને તેના સમ્માનનો સૌથી મોટો સંદેશ પણ સંસદને નમન કરીને 2014માં તેમણે આપ્યો હતો.
હવે જ્યારે 2019માં એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને પ્રકાશસિંહ બાદલના ચરણસ્પર્શ કર્યા હતા.
વરિષ્ઠોના સમ્માનના સંદેશ સાથે જ્યારે અમિત શાહે તેમના નામનું એલાન એનડીએના સંસદીય દળના નેતા તરીકે કર્યું, ત્યારે તેમણે પોતાના સંબોધન પહેલા સેન્ટ્રલ હોલમાં રાખવામાં આવેલા ભારતના બંધારણને ભાવપૂર્વક પ્રણામ કર્યા હતા. આ પણ એક મોટો સંદેશો છે કે તેમની સરકાર બંધારણ અને બંધારણીય ભાવનાઓ પ્રમાણે ચાલવાની છે. બંધારણ લોકોની ભાવનાઓથી બને છે અને લોકોને તેમની ભાવનાઓની અનુભૂતિનું પ્રતિબિંબ પણ સરકારના શાસનમાં પડતું હોવાનું મહેસૂસ થવું જોઈએ.
બંધારણની સામે શીશ ઝુકાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ આ નવી યાત્રા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યુ હતુ કે સેન્ટ્રલ હોલની આ અસામાન્ય ઘટના છે. આપણે આજે નવા ભારતના આપણા સંકલ્પને એક નવી ઊર્જા સાથે આગળ વધવા માટે એક નવી યાત્રાને અહીંથી આગળ વધારવાના છીએ.
નરેન્દ્ર મોદીએ દેશના બીજી વખત વડાપ્રધાન બનતા પહેલા કહ્યુ હતુ કે ભારતના મતદાતા સત્તાભાવનો સ્વીકાર કરતા નથી. જીવસેવામાં પ્રભુસેવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.