બ્રિક્સની બેઠકમાં મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો, કહ્યુ ટેરરિઝમ માનવતા સામે સૌથી મોટો ખતરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સમિટમાં ભાગ લેવા માટે જાપાનમાં છે. ઓસાકામાં જી-20 સમિટથી અલગ બ્રિક્સ દેશોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બ્રિક્સ દેશોના તમામ રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહ્યા હતા. તે વખતે પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બ્રિક્સ દેશોની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આતંકવાદ માત્ર માસૂમોના જીવ જ લેતો નથી, પરંતુ તે આર્થિક વિકાસ અને સાંપ્રદાયિક સદભાવને પણ ખરાબ રીતે અસર કરે છે. આપણે આતંકવાદ અને વંશવાદના સમર્થનના તમામ માધ્યમોને રોકવા પડશે. મહત્વપૂર્ણ છે કે આ જી-20 દેશોના સંમેલનથી અળગ અનૌપચારીક બેઠક હતી.
વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા બદલ જેયર બોલ્સોનારોને અભિનંદન પાઠવીને બ્રિક્સ પરિવારમાં તેમનું સ્વાગત કર્યું હતું. ઓસાકા ખાતે બ્રિક્સ દેશો બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓની મુલાકાત દરમિયાન તેમણે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા બદલ સિરિલ રામફોસાને પણ શુભેચ્છા પાઠવી હતી.
પોતાની ટીપ્પણીમાં મોદીએ ડબ્લ્યૂટીઓને મજબૂત બનાવવા, સંરક્ષણવાદની સામે લડવા, ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સાથે મળીને આતંકવાદની સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આજ, હું ત્રણ મુખ્ય પડકારો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરીશ. પહેલું છે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસ્થિરતા અને ઘટાડો. નિયમ આધારીત બહુપક્ષીય વૈશ્વિક વ્યાપાર પ્રણાલી પર એકપક્ષવાદ અને પ્રતિસ્પર્ધાત્મકતાની અસર છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે સંસાધનોની અછત, મૂળભૂત માળખામાં રોકાણમાં લગભગ 1.3 ખરબ અમેરિકન ડોલરના રોકાણનો ઘટાડો થયો છે. વડાપ્રધાને કહ્યુ છે કે બીજું, વિકાસને સતત અને સમાવેશી બનાવવો. ડિજિટલાઈઝેશન જેવી ઝડપથી બદલાતી તકનીકો અને જળવાયુ પરિવર્તન હાલની અને આગામી પેઢીઓ માટે પડકાર રજૂ કરે છે. તેમણે કહ્યુ છે કે વિકાસ ત્યારે સાર્થક છે, જ્યારે આ અસમાનતા ઘટાડીએ અને સશક્તિકરણમાં યોગદાન આપીએ.