સરક્રીકમાં પાકિસ્તાનની નવી હલચલ: બે નવી પોસ્ટ બનાવી, મરીન બટાલિયન અને એર ડિફેન્સ સિસ્ટમ પણ કરી તેનાત
ભારતમાં ગુજરાત અને પાકિસ્તાનમાં સિંધની વચ્ચે પાણીની લગભગ 100 કિલોમીટર લાંબી પટ્ટી પર સરક્રીક ખાતે પાકિસ્તાન તરફથી નવી હલચલ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં આ વિવાદીત ક્ષેત્રની નજીક પાકિસ્તાને બે નવી પોસ્ટ બનાવી છે. આ સિવાય પાકિસ્તાને મરીન બટાલિયન અને એર ડિફેન્સ સિસ્ટમની પણ તેનાતી કરી છે.
ટાઈમ્સ નાઉએ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સને ટાંકીને કહ્યું છે કે આ બંને પોસ્ટ્સ પીર સહામાધો ક્રીકના પશ્ચિમમાં છે, જે બાંધ ધોરા અને હરમી ધોરોના વિસ્તારમાં પડે છે. ત્યાં આ બધું નિર્માણ અને ખાસ ઉપકરણ લાવવામાં પાકિસ્તાની મરીન્સ સામેલ છે.
એમ પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આખી મરીન વિંગ સરક્રીક વિસ્તારની નજીક તેનાત છે. તેમાં એક મરીન સરક્રીકમાં, મરીનની એમ્ફિબિયસ વિંગ કરાચીમાં અને 31 ક્રીક બટાલિયન સુજાવાલામાં કે જે ક્રીકની નજીક છે, ત્યાં તેનાત છે. પાકિસ્તાને આના સિવાય ત્રણ મરીન યૂનિટને ગ્વાદરમાં તેનાત કર્યા છે. ગ્વાદર બલૂચિસ્તાનનું ડીપ સી પોર્ટ છે અને આર્થિક કારણોતી ચીન આમા ખાસ રસ લઈ રહ્યું છે.
બીજી અને ત્રીજી મરીન બટાલિયન સાથે 21 એર ડિફેન્સ યુનિટ પણ ગ્વાદર ખાતે ઓરમારાની નજીકમાં છે. અહીં પાકિસ્તાનનો નેવલ બેસ પણ છે. પાકિસ્તાનની નજર હંમેશાથી આ ક્ષેત્રને હડપવા પર રહી છે. જ્યારે ભારત કહેતું રહ્યું છે કે સરહદ ક્રીક વિસ્તારની વચ્ચે હોવી જોઈએ.
આમ તો પાકિસ્તાન મરીન્સ આ વિસ્તારમાં ઓગસ્ટ 1999થી તેનાત છે. ભારતના મિગ-21 યુદ્ધવિમાને ત્યારે પાકિસ્તાની અટલાન્ટિક પ્લેનને દેશની સીમાની અંદર તોડી પાડયું હતું. આ ઘટના કારગીલ યુદ્ધના થોડાક દિવસો બાદ થઈ હતી. જો કે આ સીમા ક્ષેત્રનો વિવાદ ઉકેલવા માટે બંને દેશો વચ્ચે ઘણાં તબક્કાની વાતચીત થઈ ચુકી છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડયો નથી. આના સંદર્ભે આખરી બેઠક 2012માં થઈ હતી.
ભારત હાલના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આ વિવાદીત ક્ષેત્રનું સીમાંકન કરવાની માગણી કરતું રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આ મામલાના ઉકેલ માટે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા કરાવવા પર ભાર મૂકતું રહ્યું છે. જો કે ભારત કહી ચુક્યું છે કે સરક્રીક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેને બંને પાડોશી દેશોએ જ ઉકેલવાનો રહેશે.