કચ્છમાંથી ISI એજન્ટની ધરપકડ, પાકિસ્તાનને મોકલતો હતો ગુપ્ત માહિતી
અમદાવાદઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ઉત્તરપ્રદેશથી પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટની ધરપકડ કરી હતી. તેની તપાસમાં કચ્છ કનેકશન સામે આવ્યું હતું. કચ્છના રઝાક કુંભાર નામના શખ્સે તેને નાણા મોકલ્યાં હોવાનું સામે આવ્યું હતું. જેથી NIAએ તપાસનો ધમધમાટ આરંભીને અંતે રઝાકની ધરપકડ કરી હતી. ISI એજન્ટ રઝાકના ઘરે NIAએ કરેલી તપાસમાં દેશની સુરક્ષાને લઈને કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાંથી NIAએ રશિદ નામના ISI એજન્ટની ધરપકડ કરી હતી. તેની તપાસમાં કચ્છના મુંદ્રામાં રહેતા રઝાક કુંભારનું નામ સામે આવ્યું હતું. કચ્છમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા રઝાક કુંભારે ISI એજન્ટ રશિદને નાણા મોકલ્યાં હોવાનું ખુલ્યું હતું. જેથી NIAની ટીમે કચ્છ સુધી તપાસ લંબાવી હતી. આ રઝાક પણ ISI માટે કામ કરતો હોવાનું ખુલતા NIAની ટીમે તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. તેના સંબંધો ઉત્તર પ્રદેશના સંરક્ષણ મામલે જોડાયેલા હોવાનું જાણાયુ છે. એનઆઈએને રઝાક પાસેથી કેટલાક મહત્વાના દસ્તાવેજો પણ મળ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએએ સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ગતિવિધિ કચ્છ બોર્ડર પર વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને તેનું કારણ છે કે કચ્છની બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી, ઘુસણખોરો અને હવે આઈએસઆઈ એજન્ટ પકડાયો છે જે ચિંતાનો વિષય છે. ભારતીય સેના પણ બાજ નજરે બોર્ડરની સુરક્ષા કરી રહી છે અને પાકિસ્તાનની તમામ હરકતોને નાકામ કરી રહી છે.