વોશિંગ્ટન: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યુ છે કે તેમની પુરોગામી સરકારોએ આતંકવાદના મુદ્દાપર ક્યારેય અમેરિકાને સાચું જણાવ્યું નથી. ખાસ કરીને ગત પંદર વર્ષોમાં. ઈમરાન ખાને મંગળવારે અમેરિકાના સાંસદ શીલા જેક્સન લી તરફથી કેપિટલ હિલ ખાતે રાખવામાં આવેલા રિસેપ્શનમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે એક સમયે પાકિસ્તાનમાં 40 અલગ-અલગ આતંકવાદી જૂથો સંચાલિત થઈ રહ્યા હતા. પરંતુ અમારા તરફથી આની જાણકારી અમેરિકાને આપવામાં આવી નહીં.
ઈમરાન ખાને કહ્યુ કે અમે આતંકવાદની વિરુદ્ધ અમેરિકાની જ લડાઈ લડી રહ્યા હતા. પાકિસ્તાનની 9/11 સાથે કોઈ લેવાદેવા નથી. અલકાયદા પણ અફઘાનિસ્તાનમાં હતું. પાકિસ્તાનમાં તાલિબાનના આતંકી પણ ન હતા. કમનસીબે જ્યારે ચીજો ખોટી થઈ, જ્યારે મે દેશની સરકાર પર આરોપ લગાવ્યો, ત્યારે પણ પાકિસ્તાનની સરકારે અમેરિકાને જણાવ્યું નહીં કે અમારી જમીન પર શું થઈ રહ્યું છે.
ઈમરાન ખાને કહ્યુ કે પાકિસ્તાનની જમીન પર એક સમયે 40 આતંકી સંગઠનો સંચાલિત થઈ રહ્યા હતા. એટલે કે અમે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા કે જ્યારે અમે સૌથી વધુ ડરેલા હતા કે અત્યારે અમે કદાચ બચી શકીશું નહીં. જ્યારે અમેરિકા આશા કરી રહ્યું હતું કે અમે તેની લડાઈમાં વધારે મદદ કરીશું, તે સમયે પાકિસ્તાન પોતાની અસ્તિત્વની લડાઈમાં જોતરાયેલું હતું.
ઈમરાને કહ્યુ કે મારું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને અન્ય મોટા નેતાઓને મળવું બેહદ જરૂરી હતું. અમે તેમને કહી દીધું કે ભવિષ્ય માટે આપણા સંબંધો પરસ્પરના ભરોસા પર આધારીત હોવા જોઈએ. આ દુખદ હતું કે બંને દેશોની વચ્ચે લાંબા સમય સુધી ભરોસાની અછત વર્તાયેલી રહી છે.
પાકિસ્તાનના પીએમએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં અમે તાલિબાનને વાતચીતની મેજ સુધી લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છીએ. આ બેહદ મુશ્કેલ હશે. પરંતુ આખું પાકિસ્તાન અમારી સાથે છે. અમારું અને અમેરિકાનું લક્ષ્ય એક છે. આ સમસ્યાનો ઉકેલ છે, એક શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન.
ઈમરાને ત્રણ દિવસીય પ્રવાસને સમાપ્ત કરતા પહેલા મંગળવારે જ કેપિટલ હિલમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ મુલાકાત કરી હતી. આના પહેલા તેમણે વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો સાથે બેઠકમાં ભાગ લીધો હતો. બંને પ્રસંગે ઈમરાને પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોને સારા બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યુ છે કે અમેરિકાના નેતાઓની સામે ક્યારેક પાકિસ્તાનની યોગ્ય છબી રજૂ થઈ નથી.