મોદીના શપથગ્રહણ સમારોહમાં PAKને આમંત્રણ નહીં, બીજા કાર્યકાળની શરૂઆતમાં જ પાડોશીને સંદેશ
નરેન્દ્ર મોદી જ્યારે ગુરૂવારે ફરીથી વડાપ્રધાન પદના શપથ લેશે તો કાર્યક્રમમાં પાકિસ્તાનને બાદ કરતા લગભગ તમામ પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થશે. ગયા વખતે મોદીએ પોતાના શપથ માટે SAARC (સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કોઓપરેશન) દેશોને આમંત્રણ મોકલ્યું હતું, જેનો પાકિસ્તાન પણ એક હિસ્સો હતું. પરંતુ આ વખતે પીએમ મોદીએ BIMSTEC દેશોને આમંત્રણ મોકલ્યું છે.
BIMSTEC (બે ઑફ બંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ, ટેક્લનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન)માં ભારત ઉપરાંત મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે. આ વખતે શપથમાં પાકિસ્તાનને ન બોલાવીને પીએમ મોદીએ બીજા કાર્યકાળની શરૂઆત પહેલા જ એક રીતે આ પાડોશીને જબરદસ્ત કૂટનૈતિક સંદેશ આપી દીધો છે.
આ પહેલા રવિવારે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ફોન પર પીએમ નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત માટે અભિનંદન આપ્યા હતા, ત્યારેપણ તેમણે (મોદી) કહ્યું હતું કે ક્ષેત્રના વિકાસ અને પ્રગતિ માટે આતંક અને હિંસામુક્ત માહોલ જરૂરી છે. પુલવામા આત્મઘાતી હુમલા પછીથી ભારત અને પાકિસ્તાનના સંબંધો ઘણા તણાપૂર્ણ બન્યા છે. પાકિસ્તાન દેખાડા માટે ઘણીવાર ભારત સાથે વાતચીતની વકાલત કરતું આવ્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત સાથે-સાથે ન ચાલી શકે. ભારતનું આ સ્ટેન્ડ શપથગ્રહણ સમારોહના ગેસ્ટ લિસ્ટમાં પણ જોઇ શકાય છે.