આસામમાં પાંચ વર્ષમાં 220 ખનીજતેલના કુવાનુ ખોદકામ કરાશે
ONGC દ્વારા બુધવારે એક નિવેદનમાં કરાઈ ઘોષણા
ONGC આસામમાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
ONGCએ આસામમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેના રોકાણની ઘોષણા કરી છે. આ રોકાણથી કંપની આગામી પાંચ વર્ષમાં આસામમાં 220 ઓઈલના કુવાનું ખોદકામ કરશે.
ONGCએ બુધવારે એક નિવેદનમાં કહ્યું છે કે તેણે આસામમાં અન્વેષણ અને ઉત્પાદન ગતિવિધિઓને પ્રોત્સાહીત કરવા માટે રાજ્ય સરકાર સાથે એક સમજૂતી કરી છે. કંપનીએ કહ્યું છે કે આ રોકાણથી આસામમાં લગભગ 220 ઓઈલ અને ગેસના કુવાનું ખોદકામ કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, ઓએનજીસીએ એક નિવેદનમાં કહ્યુ છે કે ઓએનજીસી વડાપ્રધાનની હાકલ અને હાઈડ્રોકાર્બન વિઝન 2030 પ્રમાણે 2022 સુધીમાં આયાતમાં 10 ટકાનો ઘટાડો લાવવાની દિશામાં કામ કરી રહી છે.
મહત્વપૂર્ણ છે કે ઓએનજીસી દેશની સૌથી મોટી ઊર્જા કંપની છે. તેની પાસે દેશભરમાં ત્રણ પ્લાન્ટ અને 13 પ્રોસેસ કોમ્પ્લેક્સ છે. તેની માલિકીમાં 25 હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન છે, તેનું સંચાલન તે ખુદ કરે છે.
કંપનીનું કુલ બજાર મૂડીકરણ લગભગ 1.551 લાખ કરોડ રૂપિયા છે. ONGC ભારતીય ડોમેસ્ટિક ઉત્પાદનના લગભગ 73 ટકાનું યોગદાન કરે છે અને ખનીજ તેલની કુલ જરૂરિયાતના લગભગ 30 ટકા ઉત્પાદન કરે છે.
ONGCએ ભારતમાં સાત ઓઈલ અને ગેસ ઉત્પાદનશીલ બેસિનોમાંથી 6ની શોધ કરી છે. ભારતમાં સૌથી મોટી કંપનીએ 8.70 બિલિયન ટન હાઈડ્રોકાર્બનનો અનામત ભંડાર સ્થાપિત કર્યો છે.
કંપનીનું 31 માર્ચ-2019ના રોજ સમમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં કુલ કારોબાર 10965 કરોડ રૂપિયા અને શુદ્ધ નફો 26715 કરોડ રૂપિયા રહ્યો હતો. શશી શંકરે કહ્યુ છે કે 200 સુધીમાં કંપનીનું ગેસ ઉત્પાદન વધીને 40 અબજ ઘનમીટર સુધી પહોંચવાનું અનુમાન છે. 2024માં તેના 32 અબજ ઘનમીટર સુધી પહોંચવાની આશા છે.