1. Home
  2. revoinews
  3. આપણા રાષ્ટ્રરત્નો: એક ભારત શ્રેષ્ઠભારતના શિલ્પી આપણાં અસરદાર સરદાર
આપણા રાષ્ટ્રરત્નો: એક ભારત શ્રેષ્ઠભારતના શિલ્પી આપણાં અસરદાર સરદાર

આપણા રાષ્ટ્રરત્નો: એક ભારત શ્રેષ્ઠભારતના શિલ્પી આપણાં અસરદાર સરદાર

0
Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

 લોકો કદર કરે કે ના કરે એ વિષે બહુ લાંબા વિચાર ન કરતા, આપણે યથાશક્તિ જાહેર કામ કરવું જોઈએ..!!

આ શબ્દરત્નો છે સરદાર વલ્લભભાઈ પટેલ ના આજે પણ એમના વિચારો એમનું જીવન જાહેરકામ કરવા માટે જન સેવા કરવા માટે તત્પર યુવાહિન્દને અને સૌ કોઈને અખૂટ ઉર્જા અને પ્રેરણા આપતા રહે છે …જે વ્યક્તિની સદેહે હયાતી ના હોવા છતાં એમના જનકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણ માટે  વિચારો આજે પણ હિંદજનોને પ્રેરણા આપતા રહે છે માર્ગદર્શન આપતા રહે છે એમના વિચારો માં પણ વર્ષો પછી આટલી તાકાત છે તો એમણે સદેહે જીવેલું જીવન તો ભારત ભાગ્ય વિધાતા જેવું હોય જ !

૧૮૭૫ ની સાલમાં ૩૧ ઓક્ટોબરના દિવસે ગુજરાતની ગરવી ધરા સાક્ષરનગરી નડિયાદ માં તેમનો જન્મ થયો મામા ને ઘેર મોસાળ માં તેમનો ઉછેર થયો  પરિવાર  હિંદુ ધર્મ પાળતો અને ચુસ્ત આસ્થા રાખતો વલ્લભભાઈ તેમના  પિતા ઝવેરભાઈ , માતા લાડબાના ચોથા પુત્ર હતાં. ખેડા જિલ્લાના કરમસદ ગામમાં સપરિવાર  રહેતા.તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ – કાશીભાઈ તેમજ એક નાના બહેન – દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. આમ બાળપણથી જ તેમનું મક્કમ અને લોખંડી મનોબળ ઘડાતું જતું હતું સાથે સાથે ખેતીકામ કરતા કરતા તેમનો ઉછેર થયો અને જમીનસાથે જોડાઈ રહેવાના તેમના સંસ્કારો નું સિંચન થયું . ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન નજીકના જ ગામમાં જ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે જ રહેતા વલ્લભભાઈને શાળાકીય શિક્ષણ  પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું  જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં  તેમણે પોતાનો આજે પણ પ્રખ્યાત સંયમી અને આત્મનિર્ભર સ્વભાવ કેળવ્યો  તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના જાતે ફોડ્યું આમ તેઓ અસહ્યપિડા સહન કરી ને આત્મબળે ગુમડાના દર્દ માંથી બહાર આવ્યા ! આજે પણ આ કિસ્સો બાળકોમાં આત્મબળ વિકસાવવા માટે વડીલો દ્વારા વાર્તારૂપે કહેતા સાંભળવા મળે છે

વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની ઉંમરે પાસ  થયા ત્યારે તેમના ઘરના વડીલો  તેમને એક ભારત નું ભાગ્ય બનાવનાર વિરાટ  વ્યક્તિ બનશે એમ નોહ્તું ધાર્યું  પણ  એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે અને જીવન ગુજારશે. વલ્લભભાઈની પોતાની ઈચ્છા કંઈક અલગ  હતી તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં જઈ બૅરિસ્ટર નો અભ્યાસ કરવો હતો અને તેમની આ ઈચ્છા પુરી થઇ વલ્લભભાઈ વિલાયત માં રહેતા ત્યાંથી મિડલ ટેંપલ  11 માઇલ જેટલું દૂર હતું. દરરોજ સવારે11 માઇલ ચાલી ને વલ્લભભાઈ  લાયબ્રેરી માં અભ્યાસ કરવા  જતા અને છેક લાયબ્રેરી બંધ  થાય, ત્યાં સુધી વલ્લભભાઈ એકલા વાંચતા. પટાવાળો આવીને કહે: ‘સાહેબ ! બધા ગયા, હવે તમે પણ ઊઠો’ ત્યારે તેઓ  ઊઠે! બપોરે માંડ દૂધ અને બ્રેડ મંગાવી ને ત્યાં ને ત્યાં જ બેઠા ખાઈ લે અને સતત અભ્યાસ કરે આ દિવસોમાં એમણે સત્તર સત્તર કલાક અભ્યાસ કર્યો અને આત્મવિકાસ માટે અભ્યાસ માટે પરિશ્રમ ની પરાકાષ્ઠા કરી એનું પરિણામ એ આવ્યું કે એ પહેલા વર્ગમાં ઉત્તીર્ણ થયા અને એમને ૫૦ પાઉન્ડ ની સ્કોલરશીપ મળી આમ તેઓ વિદેશમાં અભ્યાસ કરી ને સ્વદેશ પરત આવ્યા વિદેશમાં કરેલો અભ્યાસ ત્યાં મેળવેલ અનુભવ થી તેમની તેજસ્વીતા ખીલી હતી તેમણે  ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના વકીલ મંડળમાં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી અને આમ વકીલાત ના વ્યવસાય ને ખીલવ્યો તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો – ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈ માં દાખલ કરવામાં આવ્યા ઝવેરબાઈનું મુંબઈમાં સફળ શસ્ત્રક્રિયાના અંતે પણ મૃત્યુ  થયું . જયારે વલ્લભભાઈની પત્નીનું મૃત્યુ  થયું  ત્યારે તેઓ કોર્ટમાં મુકદ્દમો ચલાવી રહ્યા હતા અને આ દરમિયાન પત્ની ના મૃત્યુ નો તાર મળ્યો ને એમને જરા પણ વિચલિત થયા વિના એ ચબરખી ખિસ્સામાં મૂકી દીધી ને મુકદ્દમો લડવાનું ચાલુ રાખ્યું હતું . અંતે તેઓ મુકદ્દમો જીતી ગયા અને ત્યારબાદ બધાને વલ્લભભાઈની પત્નીના મૃત્યુની જાણ થઇ હતી. આ પોલાદી હ્ર્દય અને કર્મયોગ ની એમની શ્રેષ્ઠતા નો સજ્જડ પુરાવો છે

ત્યારબાદ તેઓ ગાંધીજી ના સંપર્કમાં આવ્યા એમણે  અમદાવાદ થી લઈ ને બારડોલી સત્યાગ્રહ અને આપણાં દેશ માટે પોતાનું સમગ્ર જીવન આપણાં દેશની સ્વતંત્રતા માટે સમર્પિત કર્યું. બારડોલીમાં ખેડૂતોને કરમુકિત માટે વલ્લભભાઈએ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ લીધું. બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું. આઝાદી પછી ૫૭૨ જેટલા દેશી રજવાડા  ઓને ભેગા કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાને માથે ઉઠાવ્યું. ખુબ જ કુનેહપૂર્વક આ કામ ઉકેલ્યું. સાથે સાથે હૈદરાબાદ અને જૂનાગઢ ના અલગ થવાના પ્રશ્નોને પણ વલ્લભભાઈ પટેલે ખુબ કુનેહપૂર્વક ઉકેલ્યા. આમ સરદાર વલ્લભભાઈ પટેલ એક આદર્શ, નિર્ભય અને દેશને પીઠબળ પૂરું પાડવા વાળા આગેવાન  હતા. તેમની કુનેહ શકિત ગજબની હતી. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વ ની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા  સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષે છે , આ વાતને ભારતીય પ્રજા અને ગુજરાતી પ્રજા ખુબ ગૌરવભેર વધાવી રહી છે અને સરદાર આજે પણ આપણને સૌને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પ્રેરણા આપતા રહે છે.  આવા વીરલ અને વિરાટ રાષ્ટ્રપુરુષ  ને શત શત નમન

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code