ઓમપ્રકાશ રાજભરે ભાજપને આપ્યો આંચકો, યુપીમાં સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટીએ 39 ઉમેદવારો ઉતાર્યા
લખનૌ:યુપીમાં સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સાથીપક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ રાજ્યની 39 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી મંગળવારે જાહેર કરી છે. તેમા વારણસી, લખનૌ અને ગોરખપુર બેઠકો પણ સામેલ છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને યુપી સરકારમાં કેબિનેટ પ્રધાન ઓમપ્રકાશ રાજભરે કહ્યુ છે કે તેઓ રાજ્ય સરકારમાંથી રાજીનામું આપવા માટે તૈયાર છે. રાજીનામું ટાઈપ કરીને રાખ્યું છે. પરંતુ સરકારમાં કોઈ રાજીનામું લેવા માટે તૈયાર નથી.
થોડા સમય પહેલા રાજભરે કહ્યુ હતુ કે હું ભાજપનો નેતા નથી, અમારી અલગ પાર્ટી છે. પૂર્વાંચલમાં અમારી શક્તિને જોતા ભાજપે અમને પોતાની સાથે લીધા છે. અમે કોઈની કૃપાથી નહીં, લડાઈ લડીને પ્રધાન બન્યા છીએ. માટે સાચું બોલીએ છીએ. રાજ્યના મુખ્યપ્રધાન સાથે જનતાના હિતો માટે મારી વૈચારીક લડાઈ છે.
ઓમપ્રકાશ રાજભરે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે જો યુપીમાં ઓબીસીને 27 ટકા અનામત નહીં આપવામાં આવે, તો તેમની પાર્ટી એનડીએથી અલગ થઈ જશે. સુહેલદેવ ભારતીય સમાજ પારટ્ના અધ્યક્ષે કહ્યુ હતુ કે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે ભાજપને સાથીપક્ષો યાદ આવે છે. આ વખતે બિલાડી દહીં પણ ફૂંકીને પીશે.