શારદા ચિટફંડ કૌભાંડ મામલે પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારને સોમવાર સુધીમાં સીબીઆઇ સામે હાજર થવા નોટિસ
સીબીઆઇએ કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારને સોમવાર સુધી હાજર થવા માટે નોટિસ જાહેર કરી. રવિવારે સાંજે સીબીઆઇની એક ટીમ કોલકાતા સ્થિત કુમારના ઘરે પહોંચી. ડેપ્યુટી પોલીસ કમિશ્નરના ઘરે પણ ટીમ ગઈ. રાજીવકુમાર વિરુદ્ધ સીબીઆઇએ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે તમામ એરપોર્ટ્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સીબીઆઇને શંકા છે કે કુમાર દેશ છોડીને જઇ શકે છે. એવામાં ઇમિગ્રેશન એજન્સીઓને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન એડીજી ઓપરેશન્સ અનુજ શર્માને કોલકાતાના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.
રાજીવ કુમાર 1989 બેચના અધિકારી છે. આશરે 2500 કરોડ રૂપિયાના શારદા ચિટફંડ કૌભાંડની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું હતું. તેના પ્રમુખ આઇપીએસ રાજીવકુમાર હતા. તેમના પર પુરાવાઓ સાથે ચેડાં કરવાનો આરોપ છે, જ્યારે કુમારે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.