પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથીઃ ISIના પૂર્વ પ્રમુખ
દિલ્હીઃ પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથી અને ખતરા માટે ભારત અમારી નજરમાં હંમેશા નંબર વન ઉપર રહ્યું નથી. જો કે, પાકિસ્તાન સામે ઈરાન, સાઉદી અરબ અને તુર્કી પડકાર ઉભા કરી શકે છે, તેમ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુરાનીએ જણાવ્યું હતું.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને રાજનૈતિક અસ્થિરતા મુદ્દે તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ વાત સાચી છે કે અંદરનો મામલો હંમેશા વધારે ખતરનાર હોય છે. અમારી અર્થવ્યવસ્થા ઠીક નથી અને દેશમાં આર્થિક અસ્થિરતા પણ છે. આમ પાકિસ્તાનમાં તમામ સમસ્યા એક સાથે આવી છે. અફઘાનિસ્થાન મુદ્દે પાકિસ્તાનની નીતિએ લોકોને અલગ કર્યાં છે. તેમજ બલુચિસ્તાનમાં બધુ બરાબર નથી. સરકારની વિશ્વસનીયતા ઉપર મોટો ખતરો છે.
પાકિસ્તાનની સરકાર ઉપર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ એવી સરકાર છે જે હંમેશા પોતાના યુ-ટર્નને સાચુ સાબિત કરવાના પ્રયાસ કરે છે. નૈતિક અને સામાજીક ભ્રષ્ટાચાર પણ એક મોટી સમસ્યા છે. આમ પાકિસ્તામાં તમામ પ્રકારની સમસ્યાઓ એકત્ર થઈ છે.