ગાર્ડનમાં જાવ તો વાહન ઘરે રાખવુ! અમદાવાદના 233 ગાર્ડનમાં પાર્કિગ વ્યવસ્થાનો અભાવ
અમદાવાદઃ શહેરમાં પ્રજા માટે મનોરંજનના ઈરાદે વિવિધ વિસ્તારમાં ગાર્ડન બનાવવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં 277 જેટલા ગાર્ડન આવેલા છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, 233 ગાર્ડનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાનું જાણવા મળે છે શહેરના અનેક ગાર્ડનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ વાહન ટો કરીને વાહન ચાલકેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા નહીં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના મધ્ય ઝોનમાં 20 ગાર્ડન બનાવવામાં આવ્યા છે તેમાંથી માત્ર 2 ગાર્ડનનમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. આવી જ રીતે ઉત્તર ઝોનમાં 37 જેટલા ગાર્ડન બનાવવામાં આવ્યા છે અને તેમાંથી માત્ર 2 ગાર્ડનમાંથી પાર્કિંગની સુવિધા છે. દક્ષિણ ઝોનમાં 28 ગાર્ડન છે અને તેમાંથી પણ માત્ર 2 ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે. પૂર્વ ઝોનમાં 22 ગાર્ડન છે અને તેમાં પણ 2 ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા 60 ગાર્ડનમાંથી માત્ર 12 ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા 28 ગાર્ડનમાંથી માત્ર 4 ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે. ગુજરાતમાં સૌથી વધારે ટુ-વ્હીલ અમદાવાદમાં છે. જેના કારણે ગાર્ડનની બહાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે.