સિદ્ધૂએ કેપ્ટન અમરિન્દરસિંહ સામે ફૂંક્યું બ્યૂગલ, બોલ્યા- “હાર માટે માત્ર હું નથી જવાબદાર”
પંજાબ સરકારમાં કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી માત્ર મારી નથી, સૌની સહિયારી છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહની કેબિનેટ બેઠકમાં સામેલ નહીં થવા મામલે સિદ્ધૂએ કહ્યુ છે કે તેઓ એકમાત્ર પ્રધાન છે, કે જેમને સરકારમાં મહત્વ અપાય રહ્યું નથી.
ગુરુવારે મીડિયાની સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યુ છે કે મને બે બેઠકોની જવાબદારી આપવામાં આવી હતી અને બંને બેઠકો પર કોંગ્રેસ જીતી છે. ભટિંડા બેઠક પર મળેલી હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે છે, જ્યારે આ આરોપ ખોટો છે. ઘણાં કેબિનેટ પ્રધાન મારા રાજીનામાની ઈચ્છા ધરાવે છે. કેપ્ટન સાહેબ પણ હાર માટે મને જવાબદાર માની રહ્યા છે. જ્યારે આ સૌની જવાબદારી છે.
સિદ્ધૂએ કહ્યુ છે મારા વિભાગને નિશાન બનાવાય રહ્યો છે. કોઈની પાસે ચીજોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા હોવી જોઈએ. મારો ફાયદો ઉઠવવો જોઈએ નહીં. હું એક કલાકાર રહ્યો છું. હું પંજાબના લોકો પ્રત્યે જવાબદેહ છું.
ગુરુવારે પંજાબ કેબિનેટની બેઠકમાં સ્થાનિક નિગમ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂ પહોંચ્યા ન હતા. આ પહેલા ચૂંટણી પરિણામોની સમીક્ષાને લઈને 30મી મેના રોજ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં પણ સિદ્ધૂ સામેલ થયા ન હતા. તેને કેપ્ટને બેહદ ગંભીરતાથી લેતા જાણકારી મેળવી હતી કે સિદ્ધૂને બેઠકમાં સામેલ થવાનો સંદેશો મોકલવામાં આવ્યો હતો કે નહીં.
લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસ કુલ 13 બેઠકોમાંથી આઠમાં જીતી છે. ભાજપ અને અકાલીદળના ગઠબંધનને ચાર અને આમ આદમી પાર્ટીને એક બેઠક પ્રાપ્ત થઈ છે. તેના સંદર્ભે પંજાબ કોંગ્રેસમાં બબાલ સર્જાઈ હતી. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને થયેલા નુકસાન માટે કેપ્ટન અમરિન્દરસિંહે સિદ્ધૂને જવાબદાર ઠેરવ્યા હતા. એટલું જ નહીં ઘણાં પ્રધાનોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો સિદ્ધૂ, સીએમ કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં કામ કરી શકે નહીં તો રાજીનામું આપી દે.