- કોરોનાની 4 રસી ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી આગામી વર્ષે આવી શકે
- આ દિશામાં ભારત સરકારે રસીકરણના કાર્યક્રમની રૂપરેખા કરી તૈયાર
- રસી વિતરણ અંગે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે
નવી દિલ્હી: કોરોના વાયરસની ચાર-ચાર રસી (ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી)ના વચગાળાના અસરકારકતા ડેટા જાહેર થઇ ચૂક્યા છે ત્યારે જો બધુ યોગ્ય રીતે પાર પડે તો આગામી વર્ષના પ્રારંભમાં રસી ઉપલબ્ધ થવાની સંભાવના પ્રબળ છે. આ દિશામાં હવે ભારત સરકારે રસીકરણ કાર્યક્રમની રૂપરેખા લગભગ તૈયાર કરી લીધી છે. પ્રાધાન્યતાના આધારે રસી કોને અને કેવી રીતે આપવી તેની સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
ભારતમાં પ્રાથમિકતા મુજબ સૌથી પહેલા ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે આરોગ્ય કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવશે. જે પણ આ ઉચ્ચ અગ્રતાવાળા જૂથમાં જોડાશે તેને રસીકરણની તારીખ, સમય, સ્થળ અને SMS મારફતે જાણ કરવામાં આવશે. મેસેજમાં રસી આપનારી સંસ્થા/આરોગ્ય કર્મચારીનું નામ પણ આપવામાં આવશે. પ્રથમ ડોઝ આપ્યા પછી, બીજા ડોઝ માટે એક SMS મોકલવામાં આવશે. જ્યારે રસીકરણ પૂર્ણ થાય ત્યારે, ડિજીટલ ક્યૂઆર આધારિત પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. રસીકરણના પુરાવા હશે. એક ડિજીટલ પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના દ્વારા કોવિડ રસીના સ્ટોક અને વિતરણ તેમજ રસીકરણને ટ્રેક કરવામાં આવશે. સરકાર રસીકરણમાં ક્રમબદ્વ રીતે આગળ વધશે.
રસીકરણ બાદ સરકાર લોકો પર નજર રાખશે. આ એટલા માટે છે કે લોકોની રસીની સલામતી અંગે વિશ્વાસ મેળવી શકાય. રસીકરણ અંગે વિવિધ પ્રકારની ગેરસમજણો છે, તેથી સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ દિશામાં જાગૃતિ અભિયાન ચલાવવા કહ્યું છે. આ ઉપરાંત, રસીના કોઇપણ વિપરીત પ્રભાવને પહોંચી વળવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. રાજ્યોને એડ્રેનાલિન ઇંજેક્શનના પૂરતા સ્ટોક મેન્ટેનન્સ જાળવાવ કહેવામાં આવ્યું છે. જેથી એલર્જીક પ્રતિક્રિયાની સ્થિતિમાં લોકોને ઇન્જેક્શન આપવામાં આવી શકે.
રસીના ઇમર્જન્સીમાં ઉપયોગની મંજૂરીને હવે એક મહિના કરતા વધુ સમય લેવો જોઈએ નહીં. આ કિસ્સામાં, મોટાપાયે ઉત્પાદનના માર્ગોની શોધ કરવામાં આવી રહી છે. ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ છે તેથી આ બાબતે તેની મુખ્ય ભૂમિકા રહેશે. રશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 20 થી વધુ દેશોના રાજદૂતો તે જોવા માટે આવવાના છે કે ભારતીય કંપનીઓને ડોઝ તૈયાર કરવામાં કેટલો સમય લાગી શકે છે. સરકાર કોવિડ રસીનો ઉપયોગ કૂટનીતિ સાધન તરીકે કરવા માંગે છે. આ તમામ રાજદૂતો 27 નવેમ્બરે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને જેનોઆ ફાર્માસ્યુટિકલ્સની સુવિધાઓની મુલાકાત લેશે.
નોંધનીય છે કે, રશિયન કોરોના રસી Sputnik Vનો અસરકર્તા ડેટા મંગળવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રસી 95% જેટલી અસરકારક હોવાનું જણાયું છે. આ રસી લગભગ $ 20ના ભાવે ઉપલબ્ધ થશે, જે અમેરિકન કંપનીઓની તુલનામાં ઘણી ઓછી કિંમત છે. રસી બે તાપમાને સંગ્રહિત કરી શકાય છે. પ્રવાહી રસી માટે તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે જ્યારે ફ્રીઝ ડ્રાય રસીને 2થી -8 ડિગ્રીની વચ્ચે રાખવી પડે છે. ઘણી ભારતીય કંપનીઓ આ રસીના ડોઝ બનાવશે.
(સંકેત)