- ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં અત્યાધુનિક રાફેલ લડાકૂ વિમાન થશે સામેલ
- રાફેલ વિમાનોની સાથોસાથ વાયુસેનાની 17મી ગોલ્ડન એરો સ્કવોડ્રન હિસ્સો બનશે
- આ સ્કવોડ્રને પાકિસ્તાન સામેના બે યુદ્વમાં લીધો હતો ભાગ
ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવા જઇ રહી છે કારણ કે ભારતીય વાયુસેનામાં અત્યાધુનિક રાફેલ વિમાનના સામેલ થવાની ક્ષણો ગણાઇ રહી છે. રાફેલ વિમાન બુધવારે ભારત આવી પહોંચશે અને તેની સાથોસાથ વાયુસેનાની 17મી ગોલ્ડન એરો નામથી ઓળખાતી સ્કવોડ્રનો હિસ્સો બનશે. રાફેલ વિમાનોની સાથોસાથ આ સ્કવોડ્રન પણ ચર્ચામાં છે.
ચાલો જાણીએ ગોલ્ડન એરો સ્કવોડ્રનનો ઇતિહાસ
ગોલ્ડન એરો સ્કવોડ્રનનો ઇતિહાસ પણ રોમાંચક રહ્યો છે. ગોલ્ડન એરો સ્કવોડ્રનના વિમાનોએ પાકિસ્તાન સામે થયેલા બે યુદ્વમાં ભાગ લીધો હતો. જો કે બાદમાં વર્ષ 2016માં તેને નિવૃત્ત કરી દેવાઇ હતી. તે વખતે તેમાં મિગ 21 વિમાનો સામેલ હતા. હાલમાં વાયુસેનામાં સામેલ જૂના થઇ ગયેલા મિગ વિમાનોને વાયુસેનામાંથી નિવૃત્ત કરવાની કામગીરી ચાલી રહી છે જેના પગલે આ સ્કવોડ્રનના વિમાનોને વિદાય કરાયા બાદ સ્કવોડ્રનને પણ નિવૃત્ત કરી દેવાઇ હતી.
ગોલ્ડન એરો સ્કવોડ્રનની રચના
ગોલ્ડન એરો સ્કવોડ્રનની રચના 1 ઑક્ટોબર 1951ના રોજ થઇ હતી. તે વખતે તેમાં હાવર્ડ-2 બી પ્રકારના વિમાનો સામેલ હતા. વર્ષ 1957માં તેનું સ્થાન હોકર હંટર પ્રકારના વિમાનોએ અને વર્ષ 1975માં મિગ-21 વિમાનોએ લીધું હતું.
લશ્કર અભિયાનમાં લીધો હતો ભાગ
ગોવાને પોર્ટુગીઝોના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે વર્ષ 1961માં હાથ ધરાયેલા લશ્કરી અભિયાનમાં ગોલ્ડન એરો સ્કવોડ્રને ભાગ લીધો હતો. 1971ના ભારત પાક યુદ્વમાં અને 1999માં કારગીલ યુદ્વમાં તેના વિમાનોએ ભાગ લીધો હતો. તે વખતે બી એસ ધનોઆ આ સ્કવોડ્રનના વિંગ કમાન્ડર હતા. હાલમાં તેઓ વાયુસેનાના ચીફ છે. હવે રાફેલ વિમાનોને સામેલ કરવા માટે ગોલ્ડન એરો સ્કવોડ્રનને ફરી જીવતી કરાઈ છે.