– પીએમ મોદીએ એગ્રી-ઇન્ફ્રા ફંડ હેઠળ 1 લાખ કરોડની ફાયનાન્સિંગ સુવિધા કરી શરૂ
– પીએમ કિસાન યોજના હેઠળ 17,000 કરોડનો છઠ્ઠો હપ્તો જારી કરાયો
– હવે ખેડૂતોને મંડીના દાયરાથી મુક્ત કરાયા છે
દેશના ખેડૂતોને સહાયતા આપવાના હેતુસર પીએમ મોદીએ એગ્રી-ઇન્ફ્રા ફંડ હેઠળ એક લાખ કરોડની ફાયનાન્સિંગ સુવિધા શરૂ કરી છે. આ ભંડોળ કૃષિ-સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, કૃષિ ક્ષેત્રની કંપનીઓ અને પાકની લણણી બાદ તેના સંચાલન માટેનું માળખું ઊભું કરવા ખેડૂત જૂથોની મદદ માટે બનાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ 8.55 કરોડથી વધુ ખેડૂતોને 17,000 કરોડનો છઠ્ઠો હપ્તો જારી કર્યો છે.
આ અવસર પર પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે એક દેશ, એક મંડીના જે મિશન સંદર્ભે છેલ્લાં 7 વર્ષથી કામગીરી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઇ છે. અગાઉ e-NAM થકી ટેક્નોલોજી આધારિત એક મોટી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે કાયદાના ગઠન સાથે ખેડૂતને મંડીના દાયરાથી અને મંડી ટેક્સના દાયરાથી મુક્ત કરાયો છે. હવે ખેડૂત પાસે અનેક વિકલ્પો છે.
આ યોજના હેઠળ ગામમાં ખેડૂતોના જૂથોને, ખેડૂત સમિતિઓને, એફપીઓએસને વેરહાઉસ બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે, ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગ સ્થાપિત કરવા માટે એક લાખ કરોડની મદદ મળશે. છેલ્લા દોઢ વર્ષમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના થકી 75 હજાર સીધા ખેડૂતોના બેન્કના ખાતામાં જમા થઇ ચૂક્યા છે. આમાંથી 22 હજાર કરોડ તો કોરોનાને કારણે થયેલા લોકડાઉન દરમિયાન ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આધુનિક માળખાકીય સવલતથી કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપિત કરવામાં અત્યંત મદદ મળશે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દરેક જિલ્લામાં પ્રખ્યાત પેદાશોને દેશ અને દુનિયાના માર્કેટ સુધી પહોચાડવા માટે એક મોટી યોજના બનાવવામાં આવી છે. મોદી સરકારના આત્મનિર્ભર ભારતના સંકલ્પથી બીજા દેશો પરની નિર્ભરતા ઘડાટવામાં આવશે અને મોટા ભાગની વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવશે.
(સંકેત)