- ઉત્તર પ્રદેશના પીલીભીત અભ્યારણને વાઘ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત
- પીલીભીત વાઘ અભ્યારણને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ટીએક્સ2 એનાયત કરાયો
- વાઘની વસતીમાં ઝડપથી થયેલા વધારા માટે આ પુરસ્કાર એનાયત કરાયો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પીલીભીત વાઘ અભ્યારણ અને રાજ્યના વન વિભાગે વાઘના સંરક્ષણ મુદ્દે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ટીએક્સ2 હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કાર વાઘની વસતીમાં ઝડપથી વધેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને એનાયત કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે દેશની 13 ટાઇગર રેન્જમાં આ પુરસ્કાર મેળવનાર પીલીભીત ટાઇગર રિઝર્વ પહેલી ટાઇગર રેન્જ છે. વર્ષ 2014માં અહીં 25 વાઘ હતા, જે વધીને વર્ષ 2018માં 65 થયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, UNDP-સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના ઇકોલોજીકલ અને બાયો ડાયર્વિસિટીના ચીફ મિંડોરી પૈક્સટને રાજ્યના પ્રમુખ મુખ્ય સુનીલ પાંડેને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. પાંડેએ જણાવ્યું હતું કે, વાઘની વસતી બે ગણી કરવાનો વૈશ્વિક લક્ષ્ય 2010માં નક્કી કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ અધિનિયમ દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલી ગણતરીના આધારે જ્યારે વાઘની સંખ્યા જાહેર કરવામાં આવી ત્યારે પીટીઆરના ઉપ નિર્દેશક નવીન ખંડેલવાલે આ પુરસ્કાર માટે અરજી કરી હતી.
ખંડેલવાલ અનુસાર દેશના તમામ 13 ટાઇગર રેન્જમાં કોઇપણ 10 વર્ષની અંદર વાઘની સંખ્યા બેગણી કરવામાં સફળ થયું નથી. જ્યારે પીલીભીત ટાઇગર રિઝર્વે એ આ લક્ષ્યાંક 4 વર્ષમાં હાંસલ કરી લીધો હતો. આ સફળતા માટે તેમણે ટાઇગર્સ-ઇન્ટેસિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસના સતત ઉપયોગ સાથે દેખરેખને કારણભૂત ગણાવ્યા હતા. લક્ષ્યાંકને હાંસલ કરવામાં તેમણે વન અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક હિતેચ્છુઓ અને વાઘ સંરક્ષણ માટે ઉત્સાહી લોકોની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
મહત્વનું છે કે, યૂનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ-UNDP અને ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્જરવેશન ઓફ નેચર-IUCN સંસ્થા વાઘ માટે કરવામાં આવેલા કામ અને તેમની સારસંભાળ લેવા માટે કરાતા પ્રયત્નો પર નજર રાખે છે. ગત વર્ષે એક કાર્યક્રમ હેઠળ સંસ્થાએ વાઘને બચાવવા માટે કરવામાં આવતા પ્રયત્નોને લઇને વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં 13 દેશ નેપાળ, ભૂટાન, ભારત, રશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન આદિ દેશો સામેલ હતા.
(સંકેત)