ભારત શૈક્ષણિક ક્ષેત્રે ક્ષિતીજ વિસ્તારશે, ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીઓનું ભારતમાં આગમન થશે
- ભારત હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ અન્ય દેશો માટે બનશે પ્રેરણારૂપ
- સ્ટેનફોર્ડ, ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં ખુલશે
- આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે
નવી દિલ્હી: ભારત હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ મજબૂત બનવા જઇ રહ્યું છે. વિશ્વની ટોચની યુનિવર્સટીઓમાં સ્થાન પામતી ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ અને યેલ જેવી યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં પણ બહુ જલ્દી કાર્યરત થઇ શકે છે. સરકારે એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ અંગે જાણકારી આપતા શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઇચ્છે છે કે, વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓ ભારતમાં પણ કાર્યરત હોય અને ભારતીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. સરકાર શિક્ષણ ક્ષેત્ર પર દર વર્ષે 15 અબજ ડોલર ખર્ચવા પર ભાર મુકી રહી છે.એક એવો કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે જે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપે. સંસદમાં તેને પાસ કરવા માટે રજૂ કરાશે.
રમેશ પોખરિયાલે વધુમાં ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયાની સરકાર પણ ભારતમાં પોતાની યુનિવર્સિટીઓના કેમ્પસ ખુલે તેમાં રસ લઇ રહી છે. અન્ય જાણીતી યુનિવર્સિટીઓએ પણ આ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી છે. શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક ઇન્ડેક્સમાં ભારત 132 દેશોની યાદીમાં 72માં ક્રમાંકે છે.
(સંકેત)