- અમેરિકામાં ડિસેમ્બરના અંત સુધીમાં વેક્સિન આવવાની શક્યતા
- મુંબઇની એક કંપનીએ વેક્સિન ટુરિઝમનું પેકેજ બહાર પાડ્યું
- કંપનીએ અમેરિકાના પ્રવાસ સાથે રસી મુકાવાનું પેકેજ બહાર પાડ્યું
વોશિંગ્ટન: ભારતમાં નવા વર્ષના પ્રારંભમાં કોરોના વાયરસની વેક્સિન આવે તેવી શક્યતા છે. જો કે સામાન્ય લોકો સુધી તેને પહોંચતા હજુ સમય લાગી શકે છે. બીજી તરફ અમેરિકામાં ડિસેમ્બરના અંત સુધીમાં રસી મુકવાનું શરૂ કરાશે.
આ જ તકનો લાભ ઉઠાવીને મુંબઇની એક કંપનીએ વેક્સિન ટુરિઝમની ઑફર કરી છે. કંપનીએ 1.75 લાખ રૂપિયામાં અમેરિકામાં જઇને રસી મુકવાનું અને 4 દિવસ રહેવાનું પેકેજ બહાર પાડ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારનો મેસેજ વૉટ્સએપ પર વાયરલ થઇ રહ્યો છે.
વેક્સિન ટૂરિઝમના પેકેજમાં કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા કોરોના વેક્સિન મુકાવનારા લોકોમાંથી તમે પણ એક હોઇ શકો છો. જેવી અમેરિકામાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે અમે VVIP ક્લાયન્ટ માટે અમેરિકામાં રસી મૂકાવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. કંપનીએ ઑફર કરેલા પેકેજમાં મુંબઇથી ન્યૂયોર્ક આવવા જવાનું ભાડું, ચાર દિવસનો સ્ટે અને વેક્સિનનો એક ડોઝ સામેલ છે.
નોંધનીય છે કે કંપનીએ વેક્સિન ટુરિઝમ ડેવલપ કરવાનો દાવો કર્યો છે. સાથે સાથે જ કહ્યું છે કે, આ તમામ કાર્યવાહી અમેરિકન કાયદા અનુસાર જ થશે. આ પેકેજ માટે એડવાન્સ કે ડિપોઝિટ આપવાની જરૂર નથી. કંપની દ્વારા અમેરિકાના વિઝા માંગવામાં આવશે અને તે પછીની કાર્યવાહી અમેરિકન કાયદા પ્રમાણે થશે. જો કે અમેરિકામાં વેક્સિન ક્યારે આપવામાં આવશે તેના પર આ પેકેજ આધારિત છે.
(સંકેત)