- અલાહાબાદ હાઇકોર્ટે આજે આપ્યો મહત્વનો ચુકાદો
- બે પુખ્ત વયના વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો કાયદેસર અને બંધારણીય છે
- કોઇને આવા યુગલના રહેવામાં દખલ કરવાનો અધિકાર નથી
અલાહાબાદ: અલાહાબાદ હાઇકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. અલાહાબાદ કોર્ટે ચુકાદો આપ્યો છે કે લગ્ન કર્યા વિના બે પુખ્ત વયની વ્યક્તિ લીવ ઇન રિલેશનશીપમાં રહે તો એ કાયદેસર અને બંધારણીય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાઇકોર્ટે કહ્યું કે આખા દેશમાં આ પ્રકારનો સંબંધ કાયદેસરનો છે અને કોઇ આવા યુગલના રહેવામાં દખલ કરી શકે નહીં. બંધારણની કલમ 21મી હેઠળ કોઇપણ પુખ્ત વયની વ્યક્તિને પોતાની મુનસફીથી રહેવાનો હક છે. એમાં કોઇ વ્યક્તિ દરમિયાનગીરી કરી શકે નહીં.
જસ્ટિસ અંજની કુમાર મિશ્ર અને જસ્ટિસ પ્રકાશ પડિયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને બીજા આ પ્રકારના કેસનો ચુકાદો આપતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે લીવ ઇન રિલેશનશીપ કાયદેસર છે. બે પુખ્ત વયની વ્યક્તિ પરસ્પરની સંમતિથી આ રીતે રહી શકે છે. ફર્રૂખાબાદના કામિની અને અજય કુમારની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે લીવ ઇન રિલેશનશીપની વિગતવાર વ્યાખ્યા પણ કરી હતી. માનનીય ન્યાયાધિશોએ કહ્યું હતું કે ભારતમાં સામાજીક દ્રષ્ટિએ આ પ્રકારના સંબંધોને માન્યતા નથી પરંતુ બે પુખ્ત વયની સમજદાર વ્યક્તિ લગ્ન કર્યા વિના પરસ્પરની સંમતિથી સાથે રહી શકે છે. એમાં કશું જ અનુચિત કે ગેરકાયદે નથી.
(સંકેત)