- દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સરકારે લીધો નિર્ણય
- દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 50 લોકો જ એકઠા થઇ શકશે
- દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા
દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે હવે દિલ્હી સરકાર સતર્કતા દાખવીને અનલોકમાં આપેલી છૂટ ઓછી કરી રહી છે. હવે દિલ્હીમાં લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં.
દિલ્હી સરકારે આ દરખાસ્ત ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મંજૂરી માટે મોકલી હતી, જેને ઉપરાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. અત્યારસુધી લગ્ન સમારંભમાં 200 જેટલા લોકોને હાજર રહેવાની મંજૂરી હતી. દિલ્હીમાં વકરતા જતા કોરોનાને કારણે હવે તે ઘટાડીને 50 કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તાજેતરના આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા છે, જ્યારે 99 લોકોએ જીવ ગુમાવ્યો છે. નવા કેસો સાથે, સક્રિય કેસની કુલ સંખ્યા 42 હજાર પર પહોંચી ગઇ છે.
લગ્ન સમારંભમાં સંખ્યા ઘટાડવા અંગે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, લગ્ન સમારંભમાં લોકોની સંખ્યા ઘટાડવા માટેના પ્રસ્તાવને એલજીની મંજૂરી મળી ગઇ છે. વધુ લોકો ભેગા થાય તો સંક્રમણ વધે તે માટે ખાસ કરીને લગ્ન સમારંભમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવે તે આવશ્યક હતું. સરકાર દ્વારા જરૂર પડે વધુ પ્રતિબંધો પણ સમયાંતરે લાગુ કરવામાં આવશે.
મનિષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે હું એક નાગરિક તરીકે સરકારના રૂપમાં કહેવા માંગું છું કે અત્યારે આ સમયમાં કોરોના મહામારી છે. જે રીતે આપણે શાળાઓ બંધ કરી છે, અમે લોકોને લગ્નમાં ઓછા લોકો ભેગા થવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. આ રીતે જો આપણી મહિલાઓ છઠ્ઠ પૂજાના પ્રસંગે પાણીમાં ઉભા રહી જાય તો તેઓને કોરોના થઇ શકે છે. તેથી છઠ્ઠ પૂજામાં મહિલાઓ ના ભેગી થાય અથવા ઓછી ભેગી થાય તે આવશ્યક છે.
(સંકેત)