- ઝારખંડમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડનીય કાર્યવાહી માટે સરકારે વટહુકમ જાહેર કર્યો
- ઝારખંડમાં માસ્ક નહીં પહેરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે
- તે ઉપરાંત બે વર્ષની જેલની સજા પણ થઇ શકે
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં છે ત્યારે તેનાથી બચવા માટે માસ્ક હવે દરેક માટે અનિવાર્ય બન્યું છે અને માસ્ક પહેરવાનો પણ નિયમ છે ત્યારે હવે ઝારખંડમાં સરકારે માસ્ક ના પહેરનાર સામે લાલ આંખ કરી છે. ઝારખંડમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન અને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા થઇ શકે છે. ઝારખંડ કેબિનેટે બુધવારે ચેપી રોગ વટહુકમ 2020ને પસાર કર્યો છે.
ઝારખંડ સરકારે જે વટહુકમ જારી કર્યો છે તે અનુસાર, જો કોઇ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે અથવા માસ્ક નહીં પહેરે તો તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે. તે ઉપરાંત જો કોઇ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે અને માસ્ક નથી પહેરતા તો તેને 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે.
નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય એ જાહેર કરેલા આંકડા અનુસાર ઝારખંડમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 6,485 છે જેમાંથી 64 લોકોના મોત થઇ ગયા છે. અત્યારસુધી 3024 દર્દીઓ રિકવર પણ થઇ ચૂક્યા છે.
(સંકેત)