ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ‘બ્રહ્મોસ’નું સફળ પરીક્ષણ, 4300 કિ.મી.ની ઝડપે કરશે હુમલો
- ભારતે ફરીથી પોતાની ખતરનાક મિસાઇલ બ્રહ્મોસની તાકાતનો આપ્યો પરચો
- ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ
- મિસાઇલ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં રહી સફળ
નવી દિલ્હી: ભારતે પોતાના સૈન્ય સામર્થ્યનો વધુ એક વખત પરચો આપ્યો છે. ભારતે તેની સૌથી ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ 24 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે આંદામાન અને નિકોબાર સમૂહના એક ટાપુ પરથી કરવામાં આવ્યું હતું. મિસાઇલ ટાર્ગેટને ધવસ્ત કરવામાં સફળ રહી હતી.
ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે પાછલા કેટલાક સમયમાં અનેક મિસાઇલો, ટોરપીડો, એન્ટિ મિસાઇલ સિસ્ટમ વગેરેનું સફળ પરીક્ષણ કર્યું છે. સોશિયલ મીડિયામાં લોકો DRDOની સુરક્ષા પ્રણાલી અને વૈજ્ઞાનિકોની સફળતાની પ્રશંસા કરી રહ્યા છે. મિસાઇલની રેન્જ વધારવા આજનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ ભારત અને રશિયાની સુરક્ષા સંસ્થાઓએ સંયુક્તપણે બનાવી છે.
બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત
બ્રહ્મોસ મિસાઇલ 28 ફૂટ લાંબી છે અને તેનું વજન 3000 કિલોગ્રામ છે. જેમાં 200 કિલોગ્રામ પારંપરિક અને પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઇલ 300 થી 800 કિલોમીટર દૂર બેસેલા દુશ્મન પર નિશાન સાધી શકે છે. આ સાથે જ આ મિસાઇલ 4300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હુમલો કરે છે.
મહત્વનું છે કે, થોડાક સમય પહેલા જ સમાચાર મળ્યા હતા કે વિયેતનામ ભારતની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા માગે છે. તે ઉપરાંત વિયેતનામ એર ડિફેન્સ મિસાઇલ પણ ખરીદવા ઇચ્છે છે. જો ભારત સાથે સમજૂતિ થશે તો વિયેતનામ આ બન્ને મિસાઇલને પોતાના દેશની સુરક્ષા માટે તૈનાત કરશે.
(સંકેત)