- ભારત-ચીન સીમા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન
- ભારત-ચીન તણાવનો ઉકેલ કૂટનીતિથી લાવવો પડશે
- બંને દેશો માટે સમજૂતિ પર પહોંચવું એ સમગ્ર દુનિયા માટે જરૂરી
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના તણાવનો ઉકેલ કૂટનીતિથી લાવવો પડશે તે બાબતે તેઓ સંપૂર્ણ રીતે સહમત છે. બંને દેશો માટે એક સમજૂતી પર પહોંચવું જરૂરી છે. તે ફક્ત કોઇ એક માટે જ નહીં પરંતુ દુનિયા માટે પણ ખૂબજ જરૂરી છે.
પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે હાલના લદ્દાખના પશ્વિમ ક્ષેત્રે સરહદ પર જે સ્થિતિ છે તે અંગે લાંબા સમયથી અમારો દ્રષ્ટિકોરણ એ રહ્યો છે કે અમારી સ્થિતિ સ્પષ્ટ છે. ચીન સાથે સહમતિ અને સમજ બન્ને છે. બંને પક્ષો દ્વારા કરાયેલી સમજૂતિ અને સમજને ઝિણવટપૂર્વક જોવું જોઇએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરહદ પર કોઇ ઘટના બને છે તો તે સંબંધોને પ્રભાવિત કરશે, તમે તેને અલગ કરી શકતા નથી. હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે સ્થિતિનું સમાધાન કૂટનીતિના દાયરામાં શોધવું પડશે અને હું આ જવાબદારી સાથે કહી રહ્યો છું. અમે વર્તમાન પડકારોને સામાન્ય નથી સમજી રહ્યા.
મહત્વનું છે કે, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે બીજી વાર આ પ્રકારની ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. અગાઉ પણ ભારત સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
(સંકેત)