- સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો માટે ખાસ હેબીટાટ તૈયાર કરાયા
- આ હેબીટાટ માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોને આપે છે સુરક્ષા
- ગુજરાત યુનિવર્સિટી-કોલેજ ઑફ મિલિટરી ઇન એન્જિનિયરિંગ પૂણેએ બનાવ્યા હેબીટાટ
સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝુમતા હોય છે અને માતૃભૂમિનું રક્ષણ કરતા હોય છે. હવે આ જવાનો માટે ખાસ પ્રકારના હેબીટાટ તૈયાર કરાયા છે. જે માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ આર્મીના જવાનોની સુરક્ષા કરશે. ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ ઓફ મિલિટરી ઇન એન્જિનિયરિંગ પૂણેએ સંયુક્તપણે ટેક્નોલોજી ટ્રાન્સફરથી સ્ટાર્ટ અપ પ્રોગ્રામ હેઠળ આ હેબીટાટ બનાવ્યા છે.
સિયાચીન જેવી બર્ફીલી જગ્યાઓ પર સૈન્યના જવાનો માતૃભૂમિની રક્ષા કરતા હોય છે. સિયાચીન પર તેઓને સનોબાઇટ્સ અને સ્નોફોલનું જોખમ વધારે હોય છે. આવી જગ્યાઓ પર રહેવું મુશ્કેલ હોય છે ત્યારે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મીએ ગુજરાત યુનિવર્સિટીને એક રિસર્ચ પ્રોજેક્ટ સોંપ્યો હતો. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ ગત મહિને લદ્દાખમાં એક હેબીટાટ લગાવ્યો છે.
આ હેબીટાટ માટે યુનિવર્સિટી અને કોલેજ ઓફ મિલિટરી એન્જીનિયરીંગ પૂણે સાથે ઇન્ડિયન આર્મીએ ત્રણ વર્ષ અગાઉ એક MOU સાઈન કર્યા હતા. જેના ભાગરૂપે અગાઉ 6 અલગ અલગ પ્રોડક્ટ યુનિવર્સિટી આર્મીને આપી ચૂકી છે અને આ નવું નજરાણું પણ આર્મીને આપવામાં આવ્યું છે. આ રિસર્ચના ભાગરૂપે 1 કરોડ 20 લાખનું ફંડ ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે.
હેબીટાટની વિશેષતા
તેની વિશેષતા અંગે વાત કરતા ગુજરાત યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રો.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, હેબીટાટમાં 10થી માંડીને 50 લોકોને રહેવાની તેમજ ટોયલેટ સાથેની તમામ સગવડો ઉપલબ્ધ છે. હેબીટાટની એક વિશેષતા એ પણ છે કે તેની અંદર રહેલા બેડ અને તેની ફ્રેમ ફોલ્ડેબલ છે કે તેને કોઇપણ જગ્યાએ અઢી કલાકમાં ડીસમેન્ટલ કરી ફરીથી તેને રીઓર્ગેનાઇઝ કરી શકાય છે. પરિવહન માટે પણ તે સરળ રહે છે.
લેહમાં લગાવેલા હેબીટાટની વિશેષતા
લેહમાં લગાવાયેલા હેબીટાટની ખાસિયત વિશે વાત કરીએ તો સિયાચીનમાં બરફવર્ષા અને તોફાન થતા હોય છે. ત્યાં 6 ફૂટ સુધીનો સ્નો ડિપોઝિશન થશે તેમ છત્તાં જવાનો આ હેબીટાટમાં સુરક્ષિત રહી શકશે. માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ જવાનો સુરક્ષિત રહી શકશે.
દરેક જગ્યા માટે જરૂરિયાત અલગ અલગ હોય છે ત્યારે રણપ્રદેશ માટે, દરિયાકિનારા માટે, જંગલી વિસ્તારમાં લાગતા હેબીટાટની જરૂરિયાત અલગ અલગ હોય છે. આ રીતે અલગ અલગ ઝોનમાં જરૂરિયાત મુજબ પ્રોટોટાઈપ બનાવવામાં આવશે અને તે હેબીટાટ આર્મી હોય, નેવી હોય જે એરફોર્સ હોય જરૂરિયાત મુજબ ઈન્સ્ટોલેશન કરી શકાશે.
(સંકેત)