– અશોક લવાસાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
– તેઓ આવતા મહિને એશિયન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળશે
– જો કે તેમના રાજીનામાના સ્વીકાર અંગે કોઇ સ્પષ્ટતા હજુ થઇ નથી
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરના દાવેદારની દોડમાં તેઓ સૌથી આગળ હતા. જો કે હવે, તેઓ આવતા મહિને ફિલિપાઇન્સ સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળશે. અશોક લવાસાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમનું રાજીનામું સોંપી દીધું છે. રાજીનામામાં તેઓએ 31મી ઑગસ્ટના રોજ કાર્યમુક્ત કરવાની વાત લખી છે. જો કે તેમના રાજીનામાનો સ્વીકાર થયો કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી.
એશિયન ડેવલપમેન્ટ બેંકે કરી હતી જાહેરાત
પ્રાપ્ત અહેવાલ અનુસાર એશિયન ડેવલપમેન્ટ બેંકે લવાસાની નિયુક્તિની જાહેરાત 15 જુલાઇના રોજ કરી હતી. અશોક લવાસા હવે એશિયન ડેવલપમેન્ટ બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ પદેથી નિવૃત્ત થઇ રહેલા દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. તેઓ બેંકના ખાનગી ક્ષેત્રના કામકાજ તેમજ જાહેર-ખાનગી ભાગીદારીના ઇન્ચાર્જ છે. ગુપ્તાનો કાર્યકાળ 31મી ઑગસ્ટના રોજ પૂર્ણ થઇ રહ્યો છે.
અશોક લવાસા ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન એ સમયે ખૂબ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન બીજેપી અધ્યક્ષ અમિત શાહને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે આપવામાં આવેલી ક્લીન ચીટનો વિરોધ કર્યો હતો.
મહત્વનું છે કે, અશોક લવાસા વર્ષ 1980ની બેચના હરિયાણા કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી છે. ચૂંટણી કમિશનરના પદ પહેલા તેઓ દેશના નાણાં તથા સિવિલ એવિએશન સચિવ પણ રહી ચૂક્યા છે. અશોક લવાસાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતક કર્યું છે.
(સંકેત)