Site icon Revoi.in

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી

Social Share

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે એટલે કે 22 ઑગસ્ટના રોજ દુખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી તેમને શ્રદ્વાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફૂલભાઇ બારોટના અવસાનથી દુ:ખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન હરહંમેશ એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..”

તે ઉપરાંત સીએમ રૂપાણીએ પણ ટ્વીટર પર શ્રદ્વાંજલિ પાઠવીને દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી હતી કે, “અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઇ બારોટના નિધનથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતિ.”

ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલે પણ શ્રદ્વાંજલિ પાઠવતા કહ્યું હતું કે અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલભાઇ બારોટના અવસાનથી દુખ થયું છે. અમદાવાદના વિકાસ માટે તેમણે કરેલું કામ ભૂલાશે નહીં. ઇશ્વર તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.

મહત્વનું છે કે, પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભાજપના નેતા હતા. તેઓએ વર્ષ 1991ના 8 ફેબ્રુઆરીથી લઇને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.

(સંકેત)