370ની કલમ નાબુદ થયા બાદ જમ્મૂ કાશ્મીરમાં યોજાશે પ્રથમ ચૂંટણી, 28 નવેમ્બરે ડીડીસીની ચૂંટણી યોજાશે
- જમ્મૂ કાશ્મીરમાં 370ની કલમ રદ થયા પછી પ્રથમ ચૂંટણી યોજાશે
- જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી યોજાશે
- 28 નવેમ્બરે અહીંયા 20 જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે
જમ્મૂ : જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણી થવા જઇ રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ થયા પછીની આ પ્રથમ ચૂંટણી હશે. આ ચૂંટણી જીલ્લા વિકાસ પરિષદોની છે. કેન્દ્ર સરકારના કલમ 370 નાબુદ કરવાના નિર્ણયને સ્થાનિક લોકોએ કેટલી હદે સ્વીકાર્યો છે તેનો અંદાજ આ ચૂંટણી પરથી આવશે.
આ અંગે રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ કહ્યું હતું કે, 28 નવેમ્બરે અહીંયા 20 જીલ્લા વિકાસ પરિષદોની ચૂંટણી થશે. સાથોસાથ પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણી યોજવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષના ઓક્ટોબરમાં જમ્મૂ કાશ્મીર પંચાયતી રાજ ધારામાં સુધારા કર્યા હતા, જેથી દરેક જીલ્લામાં જીલ્લા વિકાસ પરિષદ હોય અને એમાં ચૂંટાયેલા સભ્યો હોય.
આપને જણાવી દઇએ કે 28 નવેમ્બરે થનારી પહેલા તબક્કાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત ગુરુવારે કરાશે. ચૂંટણીનો છેલ્લો તબક્કો 19મી ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી ડિસેમ્બરની 22મીએ થશે. કુલ આઠ તબક્કામાં ચૂંટણી થશે. દસ ડીડીસી જમ્મૂ જીલ્લામાં અને દસ ડીડીસી કાશ્મીર જીલ્લામાં રચવાની છે. પ્રત્યેક ડીડીસી માટે 14 ચૂંટણી કેન્દ્રો હશે. મ્યુનિસિપલ ચૂંટણી ઇવીએમ દ્વારા થશે.
નોંધનીય છે કે આ ચૂંટણીમાં પાકિસ્તાનથી અહીં આવીને વસેલા, ગુરખાઓ અને વાલ્મીકિ સમાજના લોકો પણ મતદાન કરી શકશે.
(સંકેત)