કોરોનાની સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલને DCGIએ આપી લીલી ઝંડી, ફેબ્રુઆરી સુધી આવશે પરિણામ
- કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર
- ભારત બાયોટેકને રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGIની મંજૂરી
- ટ્રાયલમાં 10 રાજ્યોના અંદાજે 28 હજાર લોકોને વેક્સીન અપાશે
નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર છે. DCGIએ ભારત બાયોટેક અને ICMR દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. જાનવરો અને ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કાના પરિણામના આધાર પર ભઆરત બાયોટેક લિમિટેડને આ મંજૂરી આપવામાં આવી છે.
સૂત્રોનુસાર, વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ટ્રાયલ દરમિયાન 10 રાજ્યોના અંદાજે 28 હજાર લોકોને વેક્સીન આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે ભારત બાયોટેક લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં પ્રથમ બે તબક્કાના પરિણામ આધાર પર ત્રીજા તબક્કાના ટ્રાયલની પરવાનગી માંગી હતી. ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ ફેબ્રુઆરી મહિના સુધી આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક અને ICMR દ્વારા નિર્મિત આ વેક્સીન સંપૂર્ણપણે સ્વદેશી છે. તેને ICMR અને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક લિમિટેડ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવી છે.
મહત્વનું છે કે, દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 6,95,509 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 77,61,312 નવા કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધી સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂકેલા લોકોની સંખ્યા 69,48,497 છે, જ્યારે મૃતકોની સંખ્યા 1,17,306 છે. જાણકારી મુજબ હાલમાં દેશમાં કુલ 9.29 ટકા એક્ટિવ કેસ છે, જ્યારે 89.20 ટકા કેસ ડિસ્ચાર્જ અથવા સાજા થઈ ગયા છે. જ્યારે 1.51 ટકા લોકોના મોત થયા છે.
(સંકેત)